કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ઘરફોડ ચોરી, બાઈક ચોરી જેવા અનેક બનાવ બની રહ્યા છે અને ક્રાઈમનો રેટ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં કડી શહેરનાભાવપુરા વિસ્તારમાં આવેલ શિવ નગર સોસાયટીમાં રહેતી બંને મહિલાઓ ગઈકાલે સાંજના લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને બંને મહિલાઓ પોતાના ઘરે આવી રહી હતી. જે દરમિયાન બે બાઈકસવાર શખ્સો આવી મહિલાના ગળામાં પેરેલ સોનાના દોરા ઝૂટવીને ફરાર થઈ ગયાં હતા. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા વિમળાબેન અને ઇન્દુબેન બંને પોતાના ઘરેથી ગઈકાલે સાંજના સમયે કડી શહેરમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરના સામે તેજેશ્વર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારબાદ પ્રસંગ પતાવીને રાત્રે 9:15 કલાકે ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે શિવનગર સોસાયટીના પાછળના દરવાજાથી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો ઈસમ પાછળથી આવીને બંને મહિલાના ગળામાં પહેરેલ સોનાના દોરા કિંમત રૂપિયા 1,25,000 લઈને દોડી ગયો હતો. જ્યાં બીજો ઈસમ બાઈક લઈને ઉભો હતો તેની પાછળ બેસીને ચંપાબા ટાઉન હોલ તરફ બંને તસ્કરો ભાગી છૂટ્યા હતા. જ્યાં બંને આધેડ મહિલાઓએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ટાણે જ બનેલી આ ચેન સ્નેચિંગની ઘટનાનો પગલે કડી પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. બંને મહિલાઓના ગળામાં પહેરેલ સોનાના દોરા ઝૂટવી તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. આ મામલે પોલીસે અલગ-અલગ CCTVની તપાસ હાથ ધરી છે અને લૂટારાને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.