મહેસાણા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા 13 પૈકી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારોએ પ્રથમ તબક્કાનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારે સૌથી વધુ રૂ.3,89,482, જ્યારે કોંગ્રેસે રૂ.79,360 ખર્ચ કર્યો હોવાની વિગત આપી છે. જ્યારે ત્રણ ઉમેદવારોએ ખર્ચની વિગત રજૂ ના કરતાં ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે.

મહેસાણા બેઠક પર ચૂંટણી લડતા 13માંથી 10 ઉમેદવારોએ એક અઠવાડિયાના 23 તારીખ સાંજ સુધીના કરેલા ખર્ચની વિગત રજૂ કરી છે. જેમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે સૌથી વધુ રૂ.3,89,482, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પી.કે. પટેલે રૂ.79,360નો ખર્ચ બતાવ્યો છે. આમ આદમી પાર્ટીના દીશાંત પટેલે રૂ.₹21,980નો ખર્ચ રજૂ કર્યો છે. 10 ઉમેદવારોએ કુલ રૂ.5,62,824નો ખર્ચ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 29 નવેમ્બરના રોજ હવે આ 13 ઉમેદવારો પોતાનો બીજા તબક્કાનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાના છે.

ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચમાં મોટાભાગના અપક્ષ ઉમેદવારોએ રૂ.5 કે 10 હજાર ડિપોઝિટ, સ્ટેમ્પ અને નોટરીના ખર્ચ સિવાય અન્ય કોઈ ખર્ચ કર્યો ન હોવાની વિગત બહાર આવી છે. જ્યારે મહેસાણા બેઠક પર ગુંજ સત્યની જનતા પાર્ટીના ઉમેદવાર નિમેષ આત્મારામ પટેલ ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી સામે સહિત બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે.

ઉમેદવારોએ કરેલો ચૂંટણી ખર્ચ
1. મુકેશ દ્વારકાદાસ પટેલ રૂ.3,89,482
2. પી.કે. પટેલ રૂ.79,360
3. દિશાંત ધનજીભાઇ પટેલ રૂ.21,980
4. રાવળ આનંદ મણીભાઈ રૂ.11,171
5. ઠાકોર અર્જુનજી મોહનજી રૂ.13,850
6. નિમેષ આત્મારામ પટેલ રૂ.10,350
7. ઠાકોર પ્રતાપજી કડવાજી રૂ.10,350
8. સેતા મહમદ જુબેદઅલી રૂ.10,550
9. કમલેશ નેનાજી ઠાકોર રૂ.10,350
10. પરમાર દેવાંગ પ્રભુદાસ રૂ.5,350