કડી પંથકમાં રોડ-રસ્તા ઉપર રખડતા ઢોરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે કડી શહેરના રેલ્વે સ્ટેશન પાસે વહેલી સવારે આખલો વીફરતા આફરાતફરી મચી જવા પામી હતી. કડીના રેલવે સ્ટેશન પાસે પસાર થતી એકટીવાચાલક યુવતીને બચાવવા જતા ત્રણ લોકોને આખલાએ શિંગડે લીધા હતા. જેમાં એકને ગંભીર ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કડી શહેરમાં શનિવારે સવારે એક આખલો વીફરતા 4 લોકોને ઈજાઓ પહોંચાડી હતી. સવારે 9:00 વાગ્યા એક આધેડ કાળુભાઈ પાળી ઉપર બેઠા હતા. જ્યાં આખલો વિફરતા અચાનક જ શિંગડા વડે ઉલાળ્યા હતા. ત્યારબાદ રોડ ઉપર એકટીવા લઈને પસાર થઈ રહેલી યુવતી પર અચાનક જ હુમલો કરી રોડ ઉપર પસાડી હતી. ત્યારે હાજર રહેલા રાજુભાઈ ઠાકોર ધોકો લઈને યુવતીને બચાવવા જતા આખલાએ રાજુભાઈ ઠાકોર ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં આખલાએ રાજુભાઈને શિંગાડાં વડે ઉલાળી રોડ ઉપર બે વખત પછાડ્યાં હતા.

જ્યાં વામજ ગામના વતની કૌશિકભાઈ પટેલ રેલ્વે સ્ટેશન ઉપર નાસ્તો કરવા આવ્યા હતા અને રાજુભાઈ ઉપર આખલો હુમલો કરી રહ્યો હતો, તેવું દેખાતા તેઓ પણ રાજુભાઈને બચાવવા જતાં તેમના ઉપર પણ આખલાએ હુમલો કર્યો હતો અને કૌશિકભાઈને પણ રોડ ઉપર પસાડી દીધા હતા. વિફરાયેલા આખલાએ ચાર લોકો ઉપર હુમલો કરાવના બનાવને પગલે વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ હુમલામાં રાજુભાઈ ઠાકોરને વધુ ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કડી શહેરમાં થોડાક મહિનાઓ પૂર્વે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયો અડફેટે લીધા હતા. તેમજ કડીના દેત્રોજ ઉપર આવેલ આદર્શ હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીને ગાયે અડફેટે લીધા હતા. જ્યારે કડી શહેરમાં રોડ રસ્તા ઉપર રખડતા ઢોરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા ઉપર રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પાંજરામાં પૂરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક રોડ-રસ્તા ઉપર વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના સામે આવી રહી છે.