*બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની અપીલ*
********
*પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું*
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે અપીલ કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રોમાં આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જિલ્લામાં 9,000 જેટલાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ કર્મચારીઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવેલી છે એવા કર્મચારીઓ ભાઈ-બહેનોને તાલીમ આપવામાં આવેલી છે. આ કર્મચારીઓ ઉપરાંત પોલીસ તંત્રના જવાનો, એસ.ટી.ના કર્મચારી તથા દિવ્યાંગ નાગરિકો અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકો કે જેમણે પોસ્ટલ બેલેટ માટેની માંગણી કરેલી છે આવા લગભગ 20,000 થી વધારે નાગરિકો અને ફરજ ઉપરના કર્મચારીઓ, અધિકારીઓ પોતાનો મતાધિકાર પોસ્ટલ બેલેટના માધ્યમથી ફેસિલિટેશન સેન્ટર ઉપરથી કરી રહ્યા છે.
કલેક્ટરશ્રીએ કહ્યું કે, વિશાળ ક્ષેત્રફળ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ૨૬૧૩ જેટલાં બુથમાંથી ૧૮ જેટલાં બુથ શેડો એરિયામાં આવે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પહાડી વિસ્તાર ધરાવતા દાંતા વિધાનસભા મતવિસ્તારમાં વાયરલેસ સેટ અને વિડીયોગ્રાફી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
Tv 108 24x7 live news
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા