વઢવાણ- દુધરેજ -સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા શનિવારે યોજાયેલી સાધારણ સભામાં શહેરની આર્ટસ કોલેજથી બસસ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટના નિર્માણ માટે રૂા.૮.૯૦ કરોડનો ખર્ચ મજૂર કરવામાં આવ્યો હતો. તેના પગલે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ચર્ચાના ચગડોળે ચઢી રહ્યા છે. ૨૦૧૯-૨૦માં આ કામની દરખાસ્ત સરકારમાં રજૂ થઈ ત્યારે આ ૮૫૦ મીટરનાં રિવરફ્રન્ટનો ખર્ચ રૂા.૩.૯૦ કરોડ હતો. તે વર્ષ ૨૦૨૨-૨૩માં ૮.૯૦ કરોડ કેવી રીતે થઈ ગયો.? આ મોંઘવારીનો માર છેકે કટકી બાજોની કળા છે.? તેવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.આ અંગે ચર્ચાતા સવાલ એવા છેકે, ૨૦૧૯-૨૦માં ૮૫૦ મીટર લાંબા અને ૨૫ મીટર પહોળા આ રિવરફ્રન્ટના નિર્માણનો ખર્ચ ૩.૯૦ કરોડનો અંદાજવામાં આવ્યો હતો. સ્વ. વીપીનભાઈ ટોલીયાના કાર્યકાળમા આ રિવરફ્રન્ટ માટે સરકારમાં રજૂ કરાયેલી દરખાસ્તમાં રિવરફ્રન્ટના નિર્માણનો ખર્ચ રૂા.૩,૯૦,૭૪,૩૦૦નો અંદાજવામાં આવ્યો હતો. પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા જે તે વખતે તા.૪/૩/૨૦૨૦ના પત્રથી આ કામને તાંત્રીક મંજુરી અપાઈ હતી. એટલુ જ નહી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ ખર્ચના ૨૫ ટકા લેખે પ્રથમ તબક્કાની ગ્રાન્ટ રૂા. ૮૫,૩૩,૦૯૪ની ફાળવાઇ હતી. હવે પાલિકાએ આ કામને સાધારણ સભામાં મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા પુરી કરી વર્કઓર્ડર આપવાની તૈયારી કરી છે. ત્યારે આ કામનો ખર્ચ રૂા. પાંચ કરોડ જેટલો વધુ આંકીને કુલ ખર્ચ રૂા. ૮.૯૦ કરોડનો દર્શાવવામાં આવ્યો છે.