આ વિધાનસભાની ચૂંટણીમાં વિસનગર બેઠક પર પાટીદાર સામે પાટીદારની જંગ જામશે. વિસનગર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ ખેલાશે.  પાટીદાર ગઢ ગણવામાં આવતી વિસનગર બેઠક પર ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર સમાજની સંખ્યા વધારે હોવાથી પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતારતા ખરાખરીનો જંગ જામશે. ભાજપે ઋષિકેશ પટેલ, કોંગ્રેસે કિરીટ પટેલ અને AAPએ જયંતિલાલ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તો આ બેઠક પર અનેક નવા સમીકરણો રચાઈ શકે છે.

વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. જેમાં આ બેઠક પર પાટીદાર સમાજની સૌથી વધારે સંખ્યા છે. પાટીદાર સમાજની સંખ્યા વધારે હોવાથી ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા છે. પાટીદાર સમાજ પછી આ બેઠક પર ઠાકોર સમાજની સૌથી વધારે સંખ્યા છે તો આ બેઠક જીતવા માટે ઠાકોર સમાજનું વધારે મહત્વ જોવા મળશે. ચૌધરી સમાજ પણ ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલથી ચૂંટણી પહેલા નારાજ જોવા મળ્યો હતો. વિસનગર બેઠક જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવવું પડશે.

વિસનગર વિધાનસભા બેઠક પર ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબજે કરવા માટે ફરીથી ચોથી વાર ઋષિકેશ પટેલને રીપિટ કર્યા છે. જેમાં ઋષિકેશ પટેલ છેલ્લા ત્રણ ટર્મથી વિસનગર બેઠક પર જીત મેળવી રહ્યા છે. જેમાં ઋષિકેશ પટેલે 2007, 2012 અને 2017 ની ચૂંટણીમાં જીત મેળવી હતી. ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી જીતતા હોવાથી તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. આ બેઠક પર ઋષિકેશ પટેલે પ્રચારની શરૂઆત કરી છે. 

વિસનગર વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી રહી છે, પરંતુ હજુ સુધી આ બેઠક પર જીત મેળવી શકી નથી. તો આ ટર્મમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પૂર્વ ઉદ્યોગ મંત્રી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા કેટલાય ટર્મથી પૂર્વ મંત્રી કિરીટ પટેલની ટિકિટ કાપવામાં આવતી હતી. પરંતુ આ ટર્મમાં કિરીટ પટેલને મેદાનમાં ઉતારતા જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કિરીટ પટેલ ભાન્ડુ ગામના વતની છે અને પ્રચારની શરૂઆત કરી છે.

વિસનગર વિધાનસભા 2022 ની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ કાંસા ગામના વતની અને વકીલ જયંતિલાલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી વિસનગરમાં ​​​​​​​અનેક નવા ​​​​​​​સમીકરણો રચાઈ શકે છે. વિસનગર વિધાનસભા સીટ પર જયંતિલાલ પટેલની ઉમેદવારીથી અનેક મતોમાં ગાબડું પડી શકે છે. હાલ જયંતિલાલ પટેલ પણ પ્રચારમાં જઈ ડોર ટુ ડોર મુલાકાત કરી રહ્યા છે.