સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠકો પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. આ સમયે મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે મોટી સંખ્યામાં જિલ્લાના 1543 મતદાન મથક પર પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડઝ અને ગ્રામ રક્ષક દળના જવાનોને ફરજ સોંપવામાં આવી છે.ચૂંટણી સમયે ફરજ પર રહેનાર પોલીસ જવાનો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મંગળવાર અને બુધવારના રોજ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાનનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ દિવસે મંગળવારે પોસ્ટલ બેલેટથી 2400 જેટલા જવાને મતદાન કર્યું હતું. જ્યારે બીજા દિવસે બુધવારે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા 578 કર્મચારીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ 3453 મતદાર કર્મચારીઓમાંથી 2978 કર્મચારીઓએ મતદાન કરતા પ્રથમ દિવસે 86.24 ટકા મતદાન થયું હતું.475 પોલીસ અને હોમગાર્ડ કર્મચારીઓ કોઇ કારણોસર મતદાન કરી શક્યા ન હતા તે કર્મચારીઓ પણ મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે માટે આગામી એક-બે દિવસમાં પોસ્ટ મારફતે તેમના ઘેર બેલેટ પહોંચાડી આપવામાં આવશે. તેઓ પાસે તે વિધાનસભા વિસ્તારના ચૂંટણી કર્મીઓ જઇને મતદાન કરાવશે.