ગાંધીનગર : ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ હિંમતનગર હાઇવે રોડ પરથી વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે લકઝરી બસમાં પતરાનાં પીપમાં સંતાડીને લઈ જવાતો 34 હજારની કિંમતના વિદેશી દારૂના 408 ટેટ્રા પેક સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસ ધ્વારા પેટ્રોલીંગ વધારી સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ચંદ્રાલા ગામની સીમ સામે હિંમતનગર હાઇવે રોડ પર ચીલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન હિંમતનગર તરફથી આવેલ ગજરાજ ટ્રાવેલ્સની બસ (AR-02-B-9999) ને ઈશારો કરીને સાઈડમાં રોકી દેવાઈ હતી.

બાદમાં પોલીસે મુસાફરોનાં સામાનની તલાશી હાથ ધરી હતી. અને લકઝરી બસની ડેકી પણ તપાસી હતી. જ્યાં કાળા કલરના પતરાનાં પીપડા શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જે ખોલીને જોતા અંદર સંતાડેલ વિદેશી દારૂના 408 નંગ ટેટ્રા પેક મળી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ કરતાં દારૂનો જથ્થો રાજનગર રાજસ્થાનથી અમદાવાદના મોબાઈલ ધારકે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જે મોબાઇલ નંબરની ટેકનિકલ સોર્સથી તપાસ કરી દારૂ મંગાવનાર જીગર મહેન્દ્રભાઈ પંચાલ(સુથાર) (હાલ રહે.બ્લોક નંબર-142 મકાન નંબર-1689 ધીરજ હાઉસિંગ રાજાભગત સ્કુલ પાસે ગોરનોકુવો ખોખરા અમદાવાદ શહેર મુળ રહે.વૃંદાવાડી રાજકોટ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.