શક્તિની ભક્તિના પર્વ નવરાત્રિ પછી ઝાલાવાડમાં દશેરા પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ હતી. અસત્ય સામે સત્યના વિજયનાં પર્વ એવા દશેરા પર્વે રાવણ દહન, શસ્ત્રપુજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. નવરાત્રી પર્વની ભાવપૂર્વક ઉજવણી પછી ગઈકાલે બુધવારે વિજયનાં પર્વ દશેરાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ સ્થળોએ શસ્ત્રપુજનનાં કાર્યક્રમો યોજાયા હતા. વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામે શ્રી ભવાની ધામ ખાતે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર ઐતિહાસિક શસ્ત્રપુજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૫,૦૦૦થી વધુ રાજપૂત આગેવાનોએ પરંપરાગત તલવાર અને પરંપરાગત સાફા-વસ્ત્રો પહેરી માતાજીનાં દર્શન-પુજન સાથે શસ્ત્રપુજન કર્યું હતું. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા, જશાભાઈ બારડ, કાનભાઈ ગોહિલ, માવજીભા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ૨૪ કલાકનાં ૧૨૩ તાલુકામાંથી ૧૦૬૫૫ ગામનાં ૨૫૦૦૦થી વધુ આગેવાનો જોડાઈને શસ્ત્રપુજન કર્યું હતું. અંદાજે ૩૨ એકર વિશાળ જગ્યામાં યોજાયેલા આ સમારોહમાં ૨૧૦૦થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. પ્રસિધ્ધ કલાકાર રાજભા ગઢવીએ રાજપૂતનાં ગૌરવવંતા ઈતિહાસને રજુ કર્યો હતો. શસ્ત્રપુજનના આ વિરાટ કાર્યક્રમને સફળ બનાવવા કિશોરસિંહ ચૌહાણ, રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજશભાઈ ભટ્ટી વિગેરે અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.