ગતરોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ પટેલનું નામ લઈ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.જેના પ્રત્યુત્તરમાં ખંભાત કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજી ભાજપા પર વળતા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૩૨ વર્ષથી ખંભાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીએ ઠાલા વચનો આપી માત્ર છેતર્યા છે.ખંભાત બંદરના નામે બંદર બનાવ્યા છે.વર્ષોથી ખંભાતની પ્રજાને મીઠું પાણી મળતું નથી.પ્રજાના પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવતા નથી.નગરપાલિકાના ભાજપાના સત્તાધીશો દ્વારા વિવિધ પ્રકારના કૌભાંડો કરવામાં આવ્યા છે.ભરતી કૌભાંડ, બસ કૌભાંડ, રોક ટોક મ્યુઝિયમ, પોર્ટ રોડ, સીસીટીવી કેમેરા કૌભાંડ, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ સહિતના અનેક કૌભાંડો આચરીના વર્ષોથી શાસન કરતા ભાજપાના નેતાઓએ ખંભાતની પ્રજાનો વિકાસ કર્યો નથી.પરંતુ વિકાસના કામોના નામે પોતાના ખિસ્સા ભર્યા છે.ખંભાતમાં કોંગ્રેસ પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થવાનો છે.હું જીતીશ એટલે પ્રજાની વચ્ચે રહી સૌ પ્રથમ વહેલામાં વહેલી તકે મીઠા પાણીનો પ્રશ્ન હલ કરીશ.બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરીશ. પ્રજાના પાયાના પ્રશ્નો અને સુવિધાઓ માટે ખડેપગે રહી કાર્યરત રહીશ.દીકરા-દીકરીઓના શિક્ષણ માટે સતત પ્રવૃતિશીલ રહીશ.ખેડૂતોના સિંચાઇના પ્રશ્નોને હલ કરીશ. કોંગ્રેસે ગુજરાતની પ્રજાને અમૂલ ડેરી, સિંચાઈ યોજના સહિત અનેક યોજનાઓ પ્રજાને ભેટ આપી છે.આજે પણ કોંગ્રેસનું કામ બોલે છે.પરંતુ આ ભાજપાના નેતાઓએ બધું બરબાદ કરી અમીરોને વહેંચી દઈ પોતાના ખિસ્સા ભરી લીધા છે.ખંભાતની પ્રજા પરિવર્તન લાવશે.આ વખતે ખંભાતમાં કોંગ્રેસ જીત નિશ્ચિત છે.એટલે કેન્દ્રીય મંત્રીને નામજોગ મને યાદ કરવુ પડે છે.આજે ખંભાતની ગામે ગામની પ્રજા ભાજપાના ઉમેદવારે ૧ હજાર કરોડ ખર્ચવા છતાંય વિરોધ કરી રહી છે.ખંભાતની પરિવર્તન લાવવા માટે પ્રજા તૈયાર છે, કોંગ્રેસને ઠેર ઠેર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.