કડી પંથકમાં જીવા દોરી ગણાતી નર્મદા કેનાલ 26 કિલોમીટરના ઘેરાવવામાં આવેલી છે. આ જીવા દોરીને લોકોએ આત્મહત્યા કરવાનું સ્થળ બનાવી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના મણીપુર અને પીરોજપુર મુખ્ય નર્મદા કેનાલોમાંથી બે મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

અમદાવાદના રાયપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પિતાએ બે નાના પુત્રો સાથે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી. પિતા વિનોદભાઈનીલાશ ખોડીયાર ખોરજ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી અને ગઈકાલે તેમના એક પુત્રનીલાશ કડી તાલુકાના મણીપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આજે સવારે કડી તાલુકાના પિરોજપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી બીજા પુત્રની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ બાવલું તેમજ કડી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી.

આરવ વિનોદભાઈ ઠાકોર (ઉં.વ.3) ઋષભ વિનોદભાઈ ઠાકોર (ઉં.વ.5) બંનેના મૃતદેહને પીએમ અર્થે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મૃતદેહનું પીએમ કરી વાલી વારસને સોંપવામાં આવી હતી.  પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળીશું હવે આવતા જન્મમાં, કોઈ એવા સમય સંજોગે આ શબ્દો બોલી બે પુત્રો સાથે યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી લીધું હતું. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધુ કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવુ છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તુ મરે તોય મારે શું. ત્યારે કેનાલમાંથી યુવક તેમજ તેના પુત્રોની લાશ મળી આવી છે. જેને લઈ તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.