ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક
ગાંધીનગર ઉત્તર બેઠક મુખ્યત્વે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આમ બંને વિસ્તારોને આવરી લેતી બેઠક છે, વર્ષ 2008માં વિધાનસભા બેઠકોના નવા પરિસિમન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી, અને ત્યારબાદની 2012ની ચુંટણીમાં આ બેઠકની પ્રથમ ચુંટણી થઈ હતી. સામાન્યરીતે આ બેઠક કોંગ્રેસની ગઢ માનવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારો ચુંટણી સમયે મુખ્યત્વે કોંગ્રેસ તરફી મતદાન કરતા આવ્યા છે.
શું છે આ બેઠકનું જ્ઞાતિગત ગણિત
આ બેઠક પર સૌથી વધુ પ્રભાવશાળી ST-ST સમાજનાં મતદારો રહ્યા છે, આ જ્ઞાતિઓના મતદારોની સંખ્યા અંદાજિત 50 હજાર આસપાસની છે, ત્યારબાદ ક્ષત્રિય-ઠાકોર સમાજના મતદારો 30 થી 35 હજાર આસપાસ છે, જ્યારે પાટીદાર સમાજ 25 હજાર અને બ્રાહ્મણ સમાજનાં મતદારો પણ 25 હજાર આસપાસ છે.
આ બેઠકના વિસ્તારોના મુખ્ય પ્રશ્નો.
સમયાંતરે આ બેઠકના અમુક ગ્રામ્ય વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, છતાં ત્યાંના રોડ રસ્તાઓની હાલત કફોડી બની રહી છે, ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા મળતી સુવિધાઓના અભાવ અને સાથોસાથ ત્યાંનો ટેક્સ અપૂરતી સુવિધા હોવા છતાં ભરવા પાડવાની રાવ પણ સમયાંતરે ઉઠતી રહી છે.
આગામી ચુંટણીમાં અહીંની સંભવિત રાજકીય સ્થિતિ
આગળ વાત કરી તે પ્રમાણે આ બેઠક કોંગ્રેસની ગઢ રહી છે, અહીં હાલમાં કોંગ્રેસના સી.જે. ચાવડા ધારાસભ્ય છે, તેમના પ્રજાલક્ષી કાર્યોથી ત્યાંના મતદારો તેમનાથી પ્રભાવિત હોય તેવું છેલ્લા પાંચ વર્ષો દરમિયાન દેખાઈ આવ્યું છે, કોરોનાકાળ દરમિયાન કરેલી તેમની કામગીરીને પણ ધ્યાને લઈને અહીંના મતદારો આગામી ચુંટણીમાં મતદાન કરશે તેવું દેખાઈ આવે છે.
જ્યારે સામા પક્ષે ભાજપ આ બેઠક પોતાની તરફેણમાં મેળવવા તલપાપડ થઇ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, ગત્ વર્ષે યોજાયેલી ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી, તે સમયે આ બેઠકના વિસ્તારમાં પણ ભાજપ તરફી બહોળા પ્રમાણમાં મતદાન થયું હતું.
આમ જોઈએ તો ગત્ ચુંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપ માત્ર પાંચ હજાર મતોથી હરી ગયેલું, ત્યારે ભાજપ હવેની ચુંટણીમાં તેને ભરપાઈ કરવા માટે તીવ્ર મહેનત કરશે તે ચોક્કસ છે.