હાલ જ્યારે રાજ્યમાં નારી વંદન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નડિયાદની દીકરીઓ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે, નડિયાદની મધર કેર સ્કૂલમાં ભણતી સાક્ષી પટેલ અને તુલસી બ્રહ્મભટ્ટે ખેલમહાકુંભમાં વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૨ સુધી કરાટેની સ્પર્ધામાં પ્રથમ ક્રમે સ્થાન હાસલ કર્યુ છે. તેમણે કરાટે શીખવાની શરૂઆત માત્ર પોતાના આત્મરક્ષણ માટે કરી હતી. ત્યારબાદ મધર કેર સ્કૂલ દ્વારા તેમણે પોતાનું રજીસ્ટ્રેશન ખેલમહાકુંભમાં કર્યું. ત્યાર બાદ ખેલમહાકુંભ સ્પર્ધામાં તુલસી અને સાક્ષીએ જે કરી બતાવ્યું તે સમગ્ર નડિયાદ માટે ગૌરવની વાત છે. આ દીકરીઓ એ ૨૦૧૬માં પ્રથમ સ્થાનમાં પ્રાપ્ત કર્યું. ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની પ્રતિયોગિતાનું આયોજન થયું ત્યારે-ત્યારે આ દીકરીઓએ પ્રથમ ક્રમ લાવી ખેડા જિલ્લાનું તથા નડિયાદનું નામ રોશન કર્યું છે. પોતાની સિદ્ધિઓ વિષે જણાવતા સાક્ષી કહે છે કે,   

મારા જન્મ માટે હું મારા માતા પિતાની ઋુણી છું.

પણ મને જીવનની કેળવણી મળી તેના માટે હું 

મારા ગુરુનો આભાર માનું છું.

સાક્ષી ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આતિથ્ય પાર્ક સોસાયટીમાં રહે છે. સાક્ષી તેના ગુરુ રાજ સર વિષે જણાવતા કહે છે કે, રાજ સર "રાજ માર્શલ આર્ટ એકેડેમી" વડોદરામાં ચલાવે છે,અને ફક્ત કરાટે શીખવાડવા માટે તેઓ નડિયાદ આવે છે. પ્રારંભિક તબકકે નડિયાદમાં "રાજ માર્શલ આર્ટ એકેડેમી" માં ઘણા વિદ્યાર્થીઓ હતા.સમય જતા ફક્ત તુલસી અને હું જ બચ્યા, પરંતુ સાહેબે અમને શીખવાડવાનું બંધ ના કર્યું અમને બે વિદ્યાર્થીઓને ભણાવવવા માટે તેઓ વડોદરા થી નડિયાદ આવતા.વધુમાં સાક્ષી કહે છે કે સાહેબે ફીસ બાબતે અમને ક્યારેય ફોર્સ કર્યો નથી અને આજે હું કરાટે માં ઓરેન્જ બેલ્ટ ધરાવું છું તે ફક્ત રાજ સરના કારણે..            

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતી તુલસી એ માત્ર ૧૬ વર્ષની ઉમરે ઘણા બધા મેડલ હાંસલ કર્યા છે. તુલસીની માતા અર્ચનાબેન પોતે એક ગૃહણી છે. બાળપણમાં તેઓને સ્પોર્ટ્સમાં "દોડ"માં ખૂબ આગળ વધવાની ઈચ્છા હતી પણ કોઈ કારણસર તેઓ આગળ વધી શક્યા ન હતા ..તેમને લગ્ન પછી નક્કી કર્યું કે તેમને તેમની દીકરી તુલસીને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધારવો છે. તેઓ પોતે ભાડાના ઘરમાં રહી તુલસીના સ્પોર્ટ્સ અને ભણતર પર વધુ ખર્ચ કર્યો છે. તુલસી હાલ મધર કેર સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં પણ તે ખુબ સારા માર્ક્સથી ઉત્તીણ થાય છે તેમ અર્ચનાબેને જણાવ્યું. 

તુલસીએ પોતાની કારકિર્દી અંગે વાત કરતા કહ્યું કે, તે ભારત માતાની સેવા કરવા ઇન્ડિયન આર્મીમાં જવાની ઈચ્છા ધરાવે છે. તેમજ ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવોએ તુલસીનો દ્રઢ સંકલ્પ છે. હાલમાં જ ૨૫ એપ્રિલ ૨૦૨૨ ના રોજ અંડર ૧૭ મહિલા ૪૫ કિલોગ્રામની કેટેગરીમાં ભારતની દીકરીએ શ્રીલંકા તથા નેપાળના ખેલાડીઓને હરાવી ભારત માટે ફસ્ટ પ્રાઈઝ હાંસલ કર્યું. તુલસીએ દુબઈમાં "ફસ્ટ પ્લે ફોર પીસ કરાટે ટ્રેનિંગ અને ચેમ્પિયનશીપ" માં કરાટેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ભારતનું અને નડિયાદનું નામ રોશન કર્યું છે. તુલસીએ પોતાના કરાટેની શરૂઆત આત્મરક્ષા માટે કરી હતી,પણ હવે તે પોતાનું જીવન દેશની રક્ષા કરવા સમર્પિત કરવા માંગે છે.