સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ છે. સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી અને બન્નેએ પ્રભુતામાં પગલા પાડ્યાં છે. અનોખા લગ્નના સાક્ષી બનવા સુરત અને સૌરાષ્ટ્રથી આવેલા સગા સંબંધી અને લોકોએ આ નવયુગલને આશિર્વાદ આપ્યા તો, દેશી યુવક વિદેશી યુવતીએ પોતાના લગ્નને યાદગાર બનાવવાની સાથે લોકશાહીને મજબૂત બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા મતદાન પછી જલપાન કરીશું તેવો સંકલ્પ શપથ રૂપે લેવડાવ્યો હતો. અનોખા લગ્ન યોજાયા
યોગીચોક ખાતે રહેતા અને પાન-માવાની દુકાન ચલાવતા કલ્પેશના લગ્ન નાના વરાછા ખાતે આવેલા હરેકૃષ્ણ ફાર્મમાં યોજાયાં હતાં. આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે દૂર દૂરથી લોકો આવ્યાં હતાં. કલ્પેશભાઈના સુરત રહેતા સગા સંબંધીઓની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલીથી પણ લોકો આવ્યાં હતાં. મહેમાનોએ દેશી-વિદેશીના કોમ્બિનેશન સમાન આ જોડીને ખૂબ આશિર્વાદ આપ્યા હતાં.