મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે મહેસાણા શહેરમાં પણ વધુ એક માર્ગ અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં જલારામ મંદિરે દર્શન કરી રોડ ક્રોસ કરવા જતા એક મહિલાને ગાડીએ ટક્કર મારતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મહેસાણા શહેરમા વી.કે વાડી પાસે આવેલા બાબરી એપાર્ટમેન્ટ માં રહેતા મોદી ઇન્દિરા બેન ગઈ કાલે સાંજે સાત કલાકે ભાડાના મકાનમાં રહેતા રેખાબેન ચૌહાણ ના પરિવાર સાથે રિક્ષામાં બેસી મહેસાણા અમદાવાદ રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કરી રોડ ક્રોસ કરવા જતા મહેસાણા બાજુથી એક ગાડી ચાલકે મહિલાને ટક્કર મારી હતી.અકસ્માત માં મહિલાના શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જે બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાદમાં મહેસાણા લાયનસ હોસ્પિટલમાં માં સારવાર માટે લઈ જતા સમયે તેઓનુ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે મહિલાના પતિ ધીરજ કુમાર મોદીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.