ડુંભાલમાં પાણીની લાઇનમાં વારંવાર લીકેજ થતું હોય પાલિકાએ નવી લાઈન નાંખી છે. જેને જૂની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી બુધવારે હાથ ધરાશે. જેને પગલે સેન્ટ્રલ, વરાછા, લિંબાયત ઝોનમાં ડુંભાલ સહિતના વિસ્તારોમાં 23, 24મીએ પાણીકાપ રહેશે.

પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું કે, લિંબાયતના ડુંભાલમાં ઈન્ટર સિટી રોડ ઉપર ટોરંન્ટ પાવરના આંજણા સબ સ્ટેશન પાસે ખાડી નજીકથી પસાર થતી ડુંભાલ જળ વિતરણ મથકની 600 મીમી વ્યાસની ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વારંવાર લીકેજ થાય છે તેમજ લાઇન પરથી ટોરંન્ટના 5થી 6 હાઈ વોલ્ટેજ કેબલો પસાર થાય છે તેથી સલામતી અર્થે લાઇનમાં ઉદ્દભવતાં લીકેજના કાયમી નિરાકરણ માટે 600 મીમી વ્યાસની પાણીની નવી લાઇન નાંખવામાં આવી છે.

આ લાઇનને હયાત 450 મીમી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી 23મીએ સવાો 8 વાગ્યાથી હાથ ધરાશે, જેથી વરાછા, સેન્ટ્રલ ઝોનનો ઉત્તર તેમજ દક્ષિણ વિસ્તાર અને લિંબાયત ઝોન વિસ્તારમાં 23 અને 24ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે અથવા ઓછા પ્રેશરથી મળશે.