વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.