વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સુરત તાપી જિલ્લાની 8 બેઠકના ઉમેદવારોનું અંતિમચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. 43 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ખાસ કરીને દરેક બેઠક પર ત્રિપાંખિયો જંગ મહત્વનો બનીને રહેશે. હાલ 5 ભાજપ અને 3 કોંગ્રેસ હસ્તક છે. જોકે, છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના મતદાનનું બંને પક્ષને મળેલ મત નો તફાવત આધારે ટકાવારી જોતા ઉતાર ચઢાવ જોવા મળે છે. મતની ટકાવારીનો તફાવત જોતા, કોંગ્રેસ 5 બેઠક પર, જ્યારે ભાજપ 3 બેઠક પર મતની ટકાવારીમાં વધારો નોંધાવ્યો છે.
વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં વર્ષ 2017ની ચૂંટણીમાં મતના તફાવત આધારે કોંગ્રેસ નિઝર, વ્યારા, માંડવી, મહુવા, કામરેજ બેઠક પર મતમાં વધારો કર્યો છે. જ્યારે ભાજપ બારડોલી, ઓલપાડ, અને માંગરોળ બેઠક પર મતની ટકાવારીમાં વધારો નોધાયો છે. ગત ચૂંટણીમાં સુરત તાપી જિલ્લાની વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન તથા મતદારોનો પણ બેઠક મુજબ સુધારો વધારો થયો હતો.
ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બંને જિલ્લાની 8 બેઠકોમાં બારડોલી, મહુવા, કામરેજ, ઓલપાડ, માંગરોળ, અને નિઝર મળી કુલ 6 બેઠક ભાજપ કબજે કરી હતી, અને કોંગ્રેસ વ્યારા અને માંડવી બેઠક કબજે કરી હતી. ત્યારબાદ વર્ષ 2017માં ફરી વિધાનસભાની ચૂંટણી આવી હતી. જેમાં ભાજપ 6 બેઠકમાંથી નિઝર વિધાનસભા ગુમાવતા, 5 બેઠક રહી હતી, જ્યારે કોંગ્રેસ એક બેઠક પ્લસ કરતા 3 બેઠક પર વિજય મેળવ્યો હતો. તાજેતરમાં વર્ષ 2022માં ફરી ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આઠ બેઠક પર 43 ઉમેદવારોએ ઉમેદવારી કરી ચૂક્યા છે.
જોકે આ બંને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થતો હતો. વર્ષ 2022ની તા. 1લી ડિસેમ્બરે ચૂંટણીમાં આ વખત આપ પણ સક્રિય રહેતા ત્રિપાંખિયો જંગ થનાર છે. ત્યારે છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના વોટ સેરિંગની ટકાવારીની સ્થિતિ જોતાં વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં મળેલ મતોની ટકાવારીના લેખાજોખા જોતા, ભાજપ કોંગ્રેસને વર્ષ 2012માં મળેલ મતોની સરખામણીમાં વર્ષ 2017માં મળેલ મતની ટકાવારીના તફાવત આધારે કોંગ્રેસ 5 બેઠક પર મતની ટકાવારીમાં વધારો, જ્યારે ભાજપ 3 બેઠક પર મતની ટકાવારીમાં વધારો નોંધાયો છે.