દસાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દસાડા તાલુકાના વઘાડા ગામ પાસે બાઈકચાલકને આઇસર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રામજી ચૌહાણ નામના શખ્સનું અકસ્માતમાં મોત થયું હતું જ્યારે અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે વિરમગામ ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવની વધુ તપાસ પાટડી પોલીસે હાથ ધરી હતી.દસાડા તાલુકાના મોટા ઉભડા ગામે રહેતા અને મજૂરી કામ કરી પેટુયુ રળતા રામજીભાઈ કાનજીભાઈ ચૌહાણ બાઇક લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન વઘાડાથી ફૂલકી વચ્ચે અજાણ્યા આઇસર ચાલકે બાઈકને અડફેટે લેતા રામજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને બાઈકની પાછળ બેઠેલ હિતેશ કરશનભાઈ ચૌહાણને પણ ઈજા પહોંચી હતી. રામજીભાઈ કાનજીભાઈનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત હીતેશભાઈને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વિરમગામ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પાટડી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ સાગર કણોતરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આઇસર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.