128 હાલોલ વિધાનસભા બેઠક માટે ગુરુવારે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો અને ગુરુવારે હાલોલ પ્રાંત અધિકારીની કચેરી 9 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો ભર્યા હતા જેમાં ગુરૂવારના 9 ઉમેદવારી ફોર્મ સાથે કુલ 14 ઉમેદવારોએ પોતાના 24 ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જેમાં હાલોલ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરમારે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું જ્યારે ભાજપામાંથી જ ડમી ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતકુમાર જલુભાઈ રાઠવાએ તેમજ ડમી ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી સંજય કુમાર હરિભાઈ ગુપ્તાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે 

     જ્યારે કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા હાલોલ માટે તદ્દન નવો અપરિચિત ચેહરો ગણાતા અનિશભાઈ ગોરધનભાઈ બારીયાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોથી નારાજ થયેલા કેટલાક બળવાખોર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો ભર્યા છે જેમાં આમ આદમી પાર્ટી રાજીનામું આપ્યા વિના મુક્તિબેન રાજેન્દ્રસિંહ જાદવે તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી ગોપીપુરાના પૂર્વ સરપંચ રામચંદ્ર રમણભાઈ બારીયા તેમજ કોંગ્રેસે છેલ્લી ઘડીએ આયાતી ઉમેદવાર મૂકતા પક્ષથી નારાજ રાજીનામું આપી ગુરુરાજસિંહ અશ્વિનસિંહ ચૌહાણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી પત્રક ભર્યું છે જ્યારે અન્ય 4 અપક્ષોમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના કંજરી ગામના જ રેખાબેન રાજેન્દ્રસિંહ પરમાર અને ગૌરાંગકુમાર અશ્વિનભાઈ ચૌહાણે અપક્ષ તરીકે પોતાના ફોર્મ ભર્યા છે જ્યારે અન્ય બે અપક્ષ તરીકે ગુરજીભાઈ ભલાભાઇ રાઠવા અને ઈશ્વરભાઈ ચંદ્રસિંહ સોલંકીએ પોતાનો ઉમેદવારી પત્રો ભર્યા છે જ્યારે ગુજરાતના નિવૃત્ત આઈજીપી ડી.જી.વણઝારાની પાર્ટી પ્રજા વિજય પક્ષના ઉમેદવાર તરીકે શિવજીભાઈ ભીલાભાઈ રાઠવાએ અને માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીના સોમાભાઈ મેઘાભાઈ નાયકે પોતાનું ઉમેદવારી પત્ર ભરતા કુલ 14 ઉમેદવારોના મળી 24 ઉમેદવારી પત્રો ભરાયા હોવાની માહિતી મળવા પામી છે. જેમાં મુખ્ય ત્રણ પક્ષો ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે નારાજ થયેલા પક્ષના જ કેટલા સક્ષમ કાર્યકરોએ પોતાના ઉમેદવારી પત્રકો ભરી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી ચૂંટણી જંગનું રણસિંગુ ફૂગતા હાલોલ વિધાનસભામાં બેઠક પર નીત નવી ચર્ચાઓ ઉઠવા પામી છે અને કયા પક્ષના ક્યા ઉમેદવારનુ પલડુ હાલમાં ભારી છે તે અંગેની અનેક અટકળો સાથે ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.