2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ એત્યારથી પોતાનું કામ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે કડક હાથે પગલા ભરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલીસે હજુ થોડાક દિવસો અગાઉ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે કડી છત્રાલ હાઇવે પરથી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને મસ મોટો દેશી દારૂનો જથ્થો ઝડપી બે ઈસમોની ધરપકડ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેશી દારૂ તેમજ વિદેશી દારૂની રેલમછેલ ન થાય તે માટે રાત દિવસ પોલીસ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરીને દેશી દારૂ તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી રહી છે. ત્યારે કડી પોલીસ વિધાનસભાની ચૂંટણીને લઈને રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પોલીસ કડી છત્રાલ હાઇવે ઉપર શેરા તંબુ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, i10 ગાડીમાં દેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને તે ગાડી છત્રાલ તરફ આવી રહી છે.

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છત્રાલ હાઈવે ઉપર આવેલા શેરા તંબુ ચોકી પાસે કોન્ડર કરીને ઉભો હતો. જે દરમિયાન એક i10 ગાડી આવી રહી હતી. જે ગાડી પોલીસને શકમંદ લાગતા પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતા બુટલેગરે ગાડી ઊભી રાખી ન હતી અને છત્રાલ તરફ ભગાડી મૂકી હતી. તરત જ પોલીસે ગાડીનો પીછો કરીને ફિલ્મી ઢબ્બે i10 ગાડીને પકડી પાડી હતી.

ત્યારબાદ ગાડીની તલાસી લેતા ગાડીમાં 10 કટ્ટા દેશી દારૂના મળી આવ્યા હતા. પોલીસે ગાડીમાંથી કુલ 340 લિટર દેશી દારૂનો કબજો મેળવ્યો હતો. તેમજ સ્થળ ઉપરથીજ દેશી દારૂનો જથ્થો લઈને જતા શૈલેષ પંચાલ રહે. અમદાવાદ અને ધવલ ત્રિવેદી રહે. અમદાવાદની પોલીસે ધરપકડ કરી હતી. કડી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 3 લાખ 21 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.