મૃત્તક વીમાદારનો 20 વર્ષોથી સાયકેટ્રીટ ડીસઓર્ડર હોવાની મેડીકલ હીસ્ટ્રીની નોંધને આધારે ક્લેઈમ નકારનાર વીમા કંપનીને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી. પી. મેખીયા તથા સભ્યો ડૉ. તિર્થેશ મહેતા, પુર્વીબેન જોશીએ કુલ રૃ. 28. 75 લાખની બાકી પડતી રકમ વ્યાજ-પેનલ્ટી સાથે એક્સીસ બેંકને ભરપાઈ કરવા તથા હેરાનગતિ બદલ 25 હજાર અને અરજી ખર્ચ પેટે રૃ5 હજાર ચુકવવા હુકમ કર્યો છે.
પુણાગામ યોગી ચોક થાતે વ્રજ વિવંતા ખાતે રહેતા 50 વર્ષીય વિધવા મધુબેનના મૃત્તક પતિ અશોક ભીખાભાઈ સાકરીયાએ મેક્સ બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ. 28. 75 લાખની વીમાની રાશી ધરાવતી મેડીક્લેઈમ પોલીસી ઉતરાવી હતી. જેનો હેતુ પોલીસી ખરીદનારનું અવશાન થાય તો પોલીસી ખરીદનાર વડે લેવાયેલી હોમ લોન ભરપાઈ થઈ જાય. જે પોલીસી અમલમાં હોવા દરમિયાન તા. 13-2-21ના રોજ વીમાદાર અશોકભાઈ સાકરીયાએ કોઈ અગમ્ય કારણોસર સારોલી પુણા ગામના ખેતરમાં ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતુ. જેથી મૃત્તકના વિધવા પત્નીએ વીમા કંપની સમક્ષ કરેલા ક્લેઈમને નકારી કાઢ્યો હતો. વીમા કંપનીએ મૃત્તકની તબીબી હિસ્ટ્રીની નોંધ મુજબ મૃત્તકને 20 વર્ષોથી સાયકેટ્રીક ડીસઓર્ડર હોવાનું કારણ આપ્યું હતુ. જેથી વીમા કંપનીની ગ્રાહકસેવામાં ખામી બદલ વિધવા મધુબેને નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. વીમાદાર તરફે જણાવાયું હતું કે ફરીયાદીના પતિને અગાઉ કોઈ બિમારી હોવા અંગે ઠોસ પુરાવો કે એક્સપર્ટનો પુરાવો રજુ કર્યો નથી. માત્ર અનુમાનના આધારે ખોટા કારણોસર ક્લેઈમ નકારી વીમા કંપનીએ અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી છે.