ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઇ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.
ક્યાંક ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવી છે. તો ક્યાંક ચૌધરી સમાજની ટિકિટ કાપવામાં આવી છે. ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. સરદાર ચૌધરીનું અત્યાર સુધીમાં હતુ નહીં. તેથી હવે તેમને ઉમેદવાર બનાવતા અહીં સરપ્રાઇઝ ફેક્ટર જોવા મળી રહ્યુ છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી અહીં જાતિગત સમીકરણને ધ્યાને રાખીને ચૌધરી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી.
ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપના સરદારસિંહ ચૌધરી, કોંગ્રેસના મુકેશ દેસાઇ અને AAPના દિનેશ ઠાકોર વચ્ચે જંગ જોવા મળશે. માણસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જે.એસ.પટેલ સામે કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ભાસ્કર પટેલ વચ્ચે ટક્કર થશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ રાઉન્ડમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.