ગુજસીટોકના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ કટોસણના કુખ્યાત ઝાલા નરપતસિંહ ઉર્ફે રેન્ચો ગણપતસિંહને મહેસાણા એલસીબીની ટીમે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સિવાય અન્ય 10 ગુનાઓમાં પણ તે પોલીસ ચોપડે વોન્ટેડ હતો

મહેસાણા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાય તે માટે એલસીબીની ટીમે શરૂ કરેલી કામગીરી અંતર્ગત ગુજસીટોકના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ અને કુખ્યાત આરોપી ઝાલા નરપતસિંહ ઉર્ફે રેન્ચો ગણપતસિંહ (રહે. કટોસણ ઉદપરા) પોતાના ઘરે આવ્યો હોવાની મળેલી ખાનગી બાતમીને આધારે ઇન્ચાર્જ પીઆઈ જે.પી. રાવ અને પીએસઆઇ એ.કે. વાઘેલા સહિતના એલસીબીના કાફલાએ કટોસણ ગામે કોર્ડન કરી નરપતસિંહ ઝાલા ઉર્ફે રેન્ચોને માર્કા વગરની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. નરપતસિંહ સામે એકમાત્ર સાંથલ પોલીસ મથકમાં જ વિદેશી દારૂ સહિતના અલગ અલગ 10 ગુના નોંધાયેલા છે.