વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨
ગીર સોમનાથ ખાતે સ્પેશ્યિલ ઓબ્ઝર્વર શ્રી અજય નાયક અને શ્રી દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ
--------
જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા સંબંધિત ચૂંટણીલક્ષી માહિતી મેળવી અધિકારીઓને કરાયા માર્ગદર્શિત
--------
ગીર સોમનાથ, તા.૨૧: જિલ્લાનું ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી કરાવવા તૈયાર છે જેને અનુલક્ષીને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે. ગીર સોમનાથમાં સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રી અજય નાયક અને ઓબ્ઝર્વરશ્રી દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી બાબતેની સમીક્ષા બેઠક ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વિધાનસભા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રી અજય નાયક અને ઓબ્ઝર્વરશ્રી દિપક મિશ્રાએ જિલ્લા ચૂંટણી વિભાગે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કરેલી તૈયારીઓની ઝીણવટભરી માહિતી મેળવી વિધાનસભા ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહીલે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ, વિવિધ નોડલ ઓફિસરની વિગતો, ચૂંટણી ઓફિસર્સની તાલીમ, ઈવીએમ મશીન, પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ, EVM અને VVPAT વિશે ઝીણવટભરી માહિતીઓ આપી હતી જ્યારે જુનાગઢ કલેક્ટર શ્રી રચિત રાજે ચૂંટણી અંગે ફરિયાદ નિવારણ, મતદાન જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ, મતદાન વધારવા માટે કરવામાં આવેલા વિવિધ આયોજનો વગેરે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે વિગતે માહિતી આપી હતી.
આ બેઠકમાં જુનાગઢ રેન્જ આઈ.જી.પી શ્રી મયંકસિંહ ચાવડા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર જાની, એક્સપેન્ડીચર મોનીટરિંગ નોડલ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.