આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે જાહેર થયેલા ઉમેદવારો દ્વારા પોતાનું ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક પર ભાજપ પક્ષે પુન: વિશ્વાસ મૂકી ટિકિટની ફાળવણીની જાહેરાત કરવામાં આવતા લુણાવાડા વિધાનસભા ચુંટણી કાર્યાલયની કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત પૂજન સાથે શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ સેવકે કાર્યકરોનો આભાર વ્યકત કરી ફરી એકવાર લુણાવાડા બેઠક પર કેસરીયો લહેરાવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જિલ્લા ભાજપ મહામંત્રી, લુણાવાડા પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, મંડળ પ્રમુખો અને હોદ્દેદારો કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
એક તરફ શિયાળાની ઠંડી વધી રહી છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પારો વધતાં ગરમાવો વધી રહ્યો છે.મહીસાગર જિલ્લાની ૧૨૨ લુણાવાડા વિધાનસભામાં ભાજપ પક્ષ દ્વારા વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ સેવકને રિપીટ કરવામાં આવતાં સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સમાજ દ્વારા સમર્થન માટે મળી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આજરોજ લુણાવાડા મત વિસ્તારના પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાજપ પક્ષ દ્વારા ફરી એકવાર આગામી વિધાનસભા ચુંટણી માટે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવતાં ખુશી વ્યકત કરી તમામ પ્રકારે સહયોગ આપી જંગી લીડથી જીતાડવા સંકલ્પ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓએ ૧૦૮નું હુલામણું નામ સાર્થક કરતાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવકના પ્રજાકીય કામો અને લોકસેવાને બિરદાવી હતી.