ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રથમ તબક્કામાં સુરત શહેર-જિલ્લામાં પણ તા. ૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. આ ચુંટણી પ્રક્રિયાને અનુલક્ષીને કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામાં અનુસાર સુરત શહેર વિસ્તારમાં ચુંટણીની સભા-સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૬: ૦૦ વાગ્યા પહેલા અને રાત્રે ૧૦: ૦૦ વાગ્યા પછી કરવો નહીં. આ સમય દરમિયાન ચુંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇપણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલી પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કર્યા ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવાર ૬: ૦૦ વાગ્યા પહેલા અને રાત્રે ૧૦ વાગ્યા પછી કરી શકાશે નહીં. કોઈપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના ૪૮ કલાકની મુદત દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી. અપવાદના કિસ્સાઓમાં કેટલાક ધાર્મિક તહેવારોની ઉજવણીના પ્રસંગોએ આપેલ છુટછાટ અન્વયે રાત્રીના ૧૦. ૦૦ થી ૧૨. ૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. આ જાહેરનામું તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.