ઉધનામાં સ્થાનિકને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર કરવાનાં બેનર લાગ્યાં. 120 ફૂટના રોડથી માંડી 10થી 15 સોસા. માં સ્થાનિક ઉમેદવારની માંગ
શહેરમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રોજ નવાં ફણગાં ફૂટી રહ્યાં છે. આયાતી ઉમેદવારનો લગભગ પ્રત્યેક વિધાનસભામાં એકસૂરે બહિષ્કાર થઇ રહ્યો છે. સુરત શહેરની ૧૬૪- ઉધના વિધાનસભા મતક્ષેત્રમાં પણ બેઠક બહારના ઉમેદવાર સામે ખુલ્લી નારાજગી પ્રવર્તી રહી છે.
‘સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપનારા પક્ષનો ઉધનામાં બહિષ્કાર' ના બેનર લાગ્યા છે. ૧૨૦ ફૂટના રોડથી માંડી ૧૦થી ૧૫ જેટલી સોસાયટીઓમાં આયાતી ઉમેદવાર સામે ખફગી જોવા મળી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મતદાન થવા જઇ રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થયું છે. આ સાથે જ જનપ્રતિનિધિ તરીકે ‘લોકલ વોટર્સ’ જ ઉમેદવારી કરે તેવો મતદારો તરફથી આગ્રહ થઇ રહ્યો છે. તાજેતરમાં ઉધના વિજયાનગરના રહીશોએ લોલીપોપ આપવા કોઇપણ પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. તેવો સીધો મેસેજ બેનર પ્રદર્શિત કરી આપ્યો હતો. હવે ઉધના મેઇન રોડ ખાતે ૧૨૦ ફૂટના રસ્તા ઉપર સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.