લગ્નસરાની સિઝનમાં મંડપના કાપડની ડિમાન્ડ, 1000 કરોડનો વેપાર મળવાની શક્યતા.

સુરતમાં દિવાળી પર વેપાર ધારણા કરતા ઓછો રહેતા નિરાશ વેપારીઓને લગ્નસરા પર સારો વેપાર મળે તેવી સંભાવના છે. હાલ મંડપના કાપડની સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. દિવાળી વેકેશન પુરુ થવાની સાથેજ અન્ય રાજ્યોમાંથી વેપારીઓ તરફથી મંડપના કાપડ માટે મોટાપાયે ઓર્ડર સુરતના વેપારીઓને મળી રહ્યા છે. એક ગણતરી પ્રમાણે મંડપના કાપડ માટે અંદાજીત 1000 કરોડ રુપિયાનો વેપાર સુરતના વેપારીઓને લગ્નસરા દરમિયાન મળે તેવી સંભાવના છે.

કાપડ માર્કેટના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દિવાળી વેકેશન બાદ હવે લગ્નસરા માટે 15 નવેમ્બરથી સાડી અને ડ્રેસ મટીરિયલ્સની ઘરાકી નીકળશે તેની સાથેજ લગ્ન મંડપ, તેમજ વિવિધ આયોજનોમાં મંડપ માટે વપરાતા કાપડની સારી ડિમાન્ડ નીકળી છે. કોરોનાકાળ પછી ચાલુ વર્ષે લગ્નસરા અને વિવિધ આયોજનો પણ મોટી સંખ્યામાં હોવાથી તેનો પણ લાભ સુરતના વેપારીઓને મળી રહ્યો છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓની અવર-જવર શરુ થઇ છે અને તેઓ ઓર્ડર પણ આપી રહ્યા છે. આગામી ત્રણ મહીના સુધી મંડપના વેપારીઓને સારો વેપાર રહે તેવી સંભાવના જણાઇ રહી છે. કાપડના વેપારીઓનું કહેવુ છે કે કોરોનાકાળ પછી ચાલુ વર્ષે સારો વેપાર થવાની સંભાવના દેખાઇ રહી છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓ દ્વારા ઓર્ડર બુકિંગ કરવામાં આવી રહ્યા છે.

સુરત મંડપ ક્લોથ એસોસિએશનના પ્રમુખ દેવ સંચેતીએ જણાવ્યું છે કે લગ્નના મંડપનો વેપાર સીઝનેબલ વેપાર છે. દિવાળી વેકેશન પછી માર્કેટમાં હવે લગ્નસરાની ઘરાકી શરુ થઇ છે. ત્યારે મંડપમાં વપરાતા કાપડ માટે પણ ઓર્ડર મળી રહ્યા છે. કોરોના દરમિયાન વેપારમાં ઘટાડો થયો હતો પરંતુ ચાલુ વર્ષે લગ્ન સહિત અન્ય ધાર્મિક અને સામાજિક આયોજનો પણ મોટાપાયે હોવાથી મંડપ માટેના કાપડનો વેપાર મોટાપાયે થાય તેવી શક્યતા છે. સીઝન દરમિયાન આશરે 1000 કરોડનો વેપાર મળે તેવી આશા છે.