સુરતમાં 1200 કરોડના ફ્રોડ જીએસટી કૌભાંડમાં જીએસટીના અધિકારીઓ મુખ્ય વિલન હોવાના પોલીસને સંકેત મળ્યા
સુરતમાં 1200 કરોડના જીએસટી કૌભાંડની તપાસના રેલા જીએસટીના સેન્ટ્રલ અને સ્ટેટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવાં ચક્રો ગતિમાન થયાં છે. ફ્રોડ જીએસટી બિલ કેવી રીતે બનાવવા તેમાં અધિકારીઓની ભૂમિકા હવે સામે આવી રહી છે. 136 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં અધિકારીઓએ કરોડો રૂપિયા ગજવે ઘાલ્યા હોવાની સુરત ઇકોનોમી સેલને શંકા છે. દરમિયાન હાલમાં સુરત ઇકોનોમી સેલનાં સૂત્રોએ જણાવ્યું કે, ભાવનગર આ કૌભાંડનું મુખ્ય એપિક સેન્ટર છે. અહીં ચીટર સાથે મળીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરોડોનાં ફ્રોડ બિલ ઇસ્યુ કરવામાં આવ્યાં હોવાની વિગત જાણવા મળી છે. સ્ટેટ જીએસટી દ્વારા અગાઉ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન સુરતના સુફિયાન સાથે ઉચ્ચ અધિકારીઓનો ઘરોબો જાણીતો છે.
પોલીસ આવતા દિવસોમાં જીએસટીના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરે તેવાં ચક્રો ગતિમાન થયાં છે. દરમિયાન આ આંકડો પાંચ હજાર કરોડ કરતાં વધારે હોવાની શક્યતા છે. ચોક બજારનો સુફિયાન હાલમાં વોન્ટેડ છે. તેણે એકલા હાથે 1500 કરોડના બિલ જીએસટીના અધિકારીઓ સાથે મળીને ઇસ્યુ કર્યા હોવાની આશંકા છે. સુફિયાન હાલમાં સુરત છોડીને ચાલ્યો જતાં પોલીસે તેને શોધવા માટે ટીમો લગાવી છે. અલબત્ત, સુફિયાન હાથમાં આવ્યા બાદ જીએસટીના ઉચ્ચ અધિકારીઓએ પોલીસનાં ચક્કર કાપવા પડશે તે હાલમાં નિશ્વિત માનવામાં આવી રહ્યું છે. આ તપાસ ઇકોનોમી સેલમાં એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તત્કાલ સમયે સુફિયાન અને પોલીસ ભેગા થઇને વેપારીઓની પજવણી થઇ રહી હોવાની ફરિયાદો ઊઠી હતી. દરમિયાન પીઆઇ અફઝલ બલોચ દ્વારા ચાર્જ લેવામાં આવ્યા બાદ આ તપાસનો આંકડો 1200 કરોડને પાર થયો છે. આમ જે તપાસ એક વર્ષ પહેલાં થવી જોઇતી હતી તે તપાસ હાલમાં થઇ રહી છે. સરવાળે આવતા દિવસોમાં આ મામલે મોટાં માથાં ભેરવાય તેવાં ચક્રો ગતિમાન થયાં છે.