સિહોર પંથકમાં ધોરી અષાઢ કોરો જતા ધરતીપુત્રો ચિંતિત તળાવોમાં પણ હજુ નવા નીરની આવક થઇ નથી શ્રાવણ માસમાં સરવડા હોય પરંતુ જો સારો વરસાદ થાય તો વાવણી કરેલ ખેતીપાકને નવજીવન મળે વરસાદનો ધોરી ગણાતો અષાઢ માસ પૂરો થયો. હાલમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને આ વરસે પૂરતો વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આથી ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા છે અને સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.સિહોર પંથકમાં આ વરસે મોડો વરસાદ આવ્યો. ટાણા ગામમાં તો થોડા દિવસો પહેલાં જ વાવણીલાયક વરસાદ પડ્યો હતો. આથી હજી તો પાક માંડ જમીન બહાર નીકળ્યો છે ત્યાં તો વરસાદે વિરામ લીધો. અને પાકને પૂરતુ પોષણ પણ નથી મળ્યું. મોંઘવારીમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનું ધરતીપુત્રોએ રોકાણ કર્યું હોય છેપરંતુ કુદરત રુઠતા ધરતીપુત્રોમાં ગહેરી ચિંતા વ્યાપી જવા પામી છે.શ્રાવણ માસમાં સરવડા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં પણ જો સારો વરસાદ થાય તો પાકને નવજીવન મળી શકે છે.અત્યારે ધરતીપુત્રોએ પોતાના ખેતર કે વાડીમાં કપાસ, બાજરો, મગફળી,તલ, મગ સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે.સિહોર પંથકના ટાણા, સોનગઢ, અમરગઢ. દેવગાણા. અગિયાળી આંબલા સહિતના ગામોમાં સારા વરસાદની ધરતીપુત્રો રાહમાં છે. બધા પાસે બોરની વ્યવસ્થા ન પણ હોય. આથી અપૂરતો વરસાદ આવે તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. ખેતીનો મુખ્ય આધાર જ વરસાદ હોય છે. ખોડિયાર મંદિરનું તળાવ, આંબલાનું તળાવ, ટાણાનું તળાવ આ બધા તળાવોમાં પણ જોઇએ તેટલાં નવા નીરની આવક થઇ નથી. આથી આ બાબત ચિંતાનો વિષય છે.