ઝાલાવાડનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દેવ-દિવાળી-કારતકી પુનમ નિમિતે યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયુ હતું. ચંદ્રગ્રહણને કારણે અન્ય મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ ચોટીલામાં દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ હતું. સવારથી જ ભક્તો ઉમટી પડયાહતા. રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાંથી પણ મોટી પુનમ ભરવા ભાવીકો આવ્યા હતા. દુર દુરથી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને ચામુંડાધામ પહોચ્યા હતા. જુદા જુદા જીલ્લાઓમાંથી પદયાત્રા સંઘ પણ ચોટીલા આવી પહોચ્યા હતા. તળેટીમાં મેળવડા જેવું દ્રશ્ય જોવા મળતુ હતું. ડુંગરની તળેટીમાં મહેસાણા પગયાત્રા યાત્રા સંઘ દ્વારા સોમવારે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કલાકારોએ માતાજીનાં ગુણગાન ગાઈને ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સોશ્યલ મીડિયામાં જામીતા કમલેશ ઉર્ફે કમાએ પણ હાજરી આપી હતી.