કડી તાલુકાના લ્હોર ગામે નજીવી બાબતમાં પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાં ઝઘડો તીવ્ર બનતાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્ની ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં પત્નીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતીને કડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાવલું પોલીસે પતિ ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના લ્હોર ગામે રહેતી યુવતી પોતાના પરિવાર સાથે ગામના ઠાકોર વાસમાં રહે છે. જેઓ ઘરની અંદર કામ કરી રહ્યાં હતા તેમજ રસોઈ બનાવી રહ્યાં હતાં. જે દરમિયાન તેમના પતિ કાળાજી ઠાકોર ઘરની બહાર રોડ ઉપર ઉભા રહીને કહેવા લાગ્યા કે તું રસોઈ કેમ સારી નથી બનાવતી, જેવું કહીને ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા. જ્યાં તેમના પત્નીએ કહ્યું કે તમે ગાળાગાળી કરશો નહીં અને જે પણ કહેવું હોય તે ઘરમાં આવીને કહો. એવું કહેતાં યુવકે હાથમાં રહેલી લાકડી વડે પોતાની પત્ની ઉપર જ હુમલો કરતા પત્નીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યાં પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યાં હતાં અને માર મારતાં બચાવ્યાં હતાં. જ્યાં તેમના પતિ ત્યાંથી નાસી છુટ્યાં હતાં. યુવતીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બાવલુ પોલીસે કાળાજી ઠાકોર ઉપર ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.