ઊંઝા : કારના કાચ તોડી સામાન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ઊંઝામાં દાસજ હાઇવે પર આવેલા હીરામણી પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી બે ગાડીના કાચ તોડી અજાણ્યા શખ્સો સુરતના પરિવારની સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.83,000ની મત્તા તેમજ અન્ય એકની ત્રણ કેમેરા સાથેની બેગ ચોરી ગયા હતા. જેની ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા કાર્યવાહી કરી હતી.

મૂળ વિસનગર તાલુકાના ગોઠવા ગામના વતની અને 25 વર્ષથી સુરત ખાતે સ્થાયી થયેલા નરેન્દ્રકુમાર બાબુલાલ પટેલ પરિવાર સાથે 4 નવેમ્બરે ઊંઝામાં દાસજ રોડ પર હીરામણી પાર્ટી પ્લોટમાં લગ્ન રિસેપ્શનમાં હાજરી આપવા આવ્યા હતા. પાર્કિંગમાં કાર પાર્ક કરી રિસેપ્શનમાં ગયા હતા અને રાત્રે 9 વાગે પરત આવતાં તેમની કારનો દરવાજાની બાજુનો કાચ તૂટેલો હતો અને અંદરથી કપડાં, સોનાની લકી, સોનાની બુટ્ટી, ચુની અને રૂ.₹8,000 રોકડા મળી રૂ.83 હજારની મત્તા ભરેલી બેગ ચોરાઈ હોવાનું જણાયું હતું.

આ સિવાય પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરીને રિસેપ્શનમાં ગયેલા સુરતના મનિષ રણજીતલાલ ગાંધી (રહે. પાલનપુર ગામ, સુરત)ની કારનો ડ્રાઇવર સાઈડ પાછળના દરવાજાની બાજુનો કાચ ખોલી તેમાંથી પણ કેમેરાની ત્રણ બેગો ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને ચોરી અંગે ઊંઝા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.