ચૂંટણીની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સુરત શહેર-જિલ્લાની તમામ ૧૬ વિધાનસભામાં ઉપયોગમાં લેવાનારા ઇવીએમનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કર્યા બાદ આજે સવારથી જ તમામ વિધાનસભાની ચૂંટણી સ્ટાફ અલથાણ ખાતેના વેરહાઉસમાંથી ઇવીએમ અને વીવીપેટ લેવાની કામગીરી શરૃ કરી દીધી છે. જે મોડી રાત સુધી ચાલશે.

સુરત શહેર અને જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં ૪૭. ૩૯ લાખ મતદારો મતદાન કરી શકે તે માટે ૪૬૨૩ મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરાઇ છે. આ મથકમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ)ના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની સાથે આ વખતે વીવીપેટનો પણ ઉપયોગ થનાર છે. અત્યાર સુધી આ ઇવીએમ અલથાણના વેરહાઉસમાં મુકવામાં આવ્યા હતા. શનિવારે આ ઇવીએમમાંથી કયા ઇવીએમ કઇ વિધાનસભાને ફાળવવામાં આવશે તેનો ડ્રો થયા બાદ આજે રવિવારે સવારે આઠ વાગ્યાથી અલથાણ વેરહાઉસમાં ઇવીએમની ફાળવણી શરૃ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ એક પેટીમાં ૧૦ ઇવીએમ મુકવામાં આવ્યા છે. અને આ દસે દસને અલગ-અલગ વિધાનસભામાં ફાળવ્યા હોવાથી તમામ ૧૬ વિધાનસભાની ચૂંટણી સ્ટાફ સિરીયલ નંબર શોધી શોધીને ઇવીએમ અલગ કરી રહ્યા હોવાથી સમય લાગી રહ્યો છે. સંભવતઃ મોડી રાત સુધીમાં તમામ ૧૬ વિધાનસભાની ઇવીએમની ફાળવણી થઇ જશે. ત્યારબાદ આ વિધાનસભાના સ્ટ્રોગરૃમમાં મુકી દેવામાં આવશે. અને ત્યાંથી ઇલેકશનના દિવસે મતદાન મથકમાં મોકલવામાં આવશે. આ ચૂંટણીમાં ૬૭૭૦ બેલેટ યુનિટ અને ૬૭૭૦ કંટ્રોલ યુનિટ તેમજ ૮૭૭૦ વીવીપેટ ફાળવવામાં આવશે. જેમાં સૌથી વધુ ચોર્યાસી વિધાનસભા બેઠકના બુથો હોવાથી ત્યાં ફાળવવામાં આવશે.