સુરત પીપલોદ ખાતે ઇસ્કોન મોલમાં પેરેડાઈઝ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઈડ કરી ત્યાંથી બે લલનાને મુક્ત કરાવી સ્પાની મહિલા મેનેજરની ધરપકડ કરી સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનની ટીમને પીપલોદ ખાતે ઇસ્કોલ મોલની અંદર પહેલા માળે પેરેડાઈઝ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઉમરા પોલીસે રેઈડ કરી હતી.

દરમિયાન અંદર બનાવેલા 3 રૂમમાંથી એક મહિલા મળી આવી હતી. આ મહિલાનું નામ પૂછતાં સોનીદેવી મંજયસિંગ (ઉં. વ. 34) (રહે. , કુમાર મહોલ્લો, વેસુ તથા મૂળ બિહાર) હોવાનું જણાવ્યું હતું. તથા પોતે સ્પાની મેનેજર છે. સ્પાના માલિક સુમીત રમેશભાઈ દાવડા (રહે. , અવધૂત સોસાયટી, વરાછા) હોવાનું જણાવ્યું હતું. સોનીદેવી લલનાઓ લાવીને તેમની પાસે દેહવેપાર કરાવતી હતી. આ સિવાય પોલીસને ત્યાં ગ્રાહક તરીકે આવેલા ખુશાલ પ્રવીણ વરસાણી (ઉં. વ. 19) (રહે. , વેરોના રેસિડન્સી, સરથાણા જકાતનાકા) તથા ઘનશ્યામ જયસુખભાઈ ગજેરા (ઉં. વ. 20) (રહે. , નંદનવન સોસાયટી, મોટા વરાછા) મળી આવ્યા હતા. ઉમરા પોલીસે સોનીદેવીની ધરપકડ કરી સ્પાની માલિકને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.