મહેસાણા : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હાલમાં તમામ રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે અનેક કાર્યક્રમો રેલીઓ યોજશે.ત્યારે મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને પગલે કાર તેમજ અન્ય વાહનોના 10 થી વધુ કાફલા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને પગલે કાર તેમજ અન્ય વાહનોના 10 થી વધુ કાફલા ઉપર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ ફરમાવ્યો છે. જેમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુથી રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેર રસ્તા ઉપર મોટા પ્રમાણમાં વાહનોમાં ગાડીઓમાં સવાર થઈ જવાને કારણે નાના વાહનો ઉપર તથા ચાલતા જનારા વ્યક્તિઓ સહિત જનતાને અગવડ ઊભી થાય છે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષના કાર્યકરો કે રાષ્ટ્રીય પક્ષના વ્યક્તિ કોન્વોયમાં એક સાથે દસથી વધુ વાહનો ફેરવી શકશે નહીં. તેમજ કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓને લઈ જવામાં આવતા કોન્વોયમાં પણ એક સાથે દસથી વધુ વાહનો ફેરવી શકાશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓના કાફલામાં 10થી વધુ વાહનોના કોન્વોયમાં બ્રેક કરવો અને દરેક કોન્વેમાં વચ્ચે 100 મીટર નું અંતર જાળવવાનું રહેશે.