ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ : શ્રીમતી પી. ભારતી

ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો : કુલ 4,90,89,765 મતદારો : ગુજરાતમાં 10,460 મતદારો શતાયુ

દરેક મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે : રાજ્યમાં FLC OK મશીનોની સંખ્યા BU-85,247,CU-71,639 અને વીવીપેટની સંખ્યા 80,469

રાજ્યમાં 182 આદર્શ મતદાર મથક બનાવાશે : ગુજરાતમાં માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત હોય તેવા 1,274 સખી મતદાન મથકો બનાવાશે : મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે : દરેક જિલ્લામાં માત્ર યુવાઓ સંચાલિત એક મતદાન મથક હશે

મતદાનના દિવસે રાજ્યના 26,000 જેટલાં મતદાન મથકોનું જીવંત વેબ કાસ્ટીંગ કરાશે

80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા અપાશે

c-VIGIL એપ્ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ કરી શકશે

ફરિયાદોના ઝડપથી નિકાલ અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના કાયદો અને વ્યવસ્થાનાં આઈ.જી. શ્રી નરસિમ્હા કોમર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક પટેલ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ, અને માહિતી નિયામક શ્રી આર.કે.મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. 

મતદાર યાદીઃ

 મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,417 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 80 વર્ષ કે તેથી વધુ વયના 9,87,999 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022 દરમ્યાન 18 વર્ષની વયે પહોચેલા 3,24,420 યુવા મતદારો પણ મતદાર યાદીમાં નોંધાયા છે. 

મતદાર ફોટો ઓળખકાર્ડઃ

 6 જાન્યુઆરીથી 11 ઓગસ્ટ દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સતત સુધારણા 2022 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 11,36,720 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અને પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ પોસ્ટ મારફતે મતદારોના ઘરે વિનામૂલ્યે પહોંચતા કરવામાં આવ્યા છે. જ્યારે 12 ઓગસ્ટ થી 9 ઓક્ટોબર, 2022 દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 16,51,905 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ઓળખકાર્ડ તૈયાર કરવાનું અને સ્પીડ પોસ્ટ દ્વારા મતદારોના ઘરે વિનામૂલ્યે પહોંચતા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

ઈવીએમ વ્યવસ્થાપનઃ

 મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે ચૂંટણી પંચે દરેક મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK ઈવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ છે. રાજ્યમાં FLC OK મશીનોની સંખ્યા BU-85,247,CU-71,639 અને વીવીપેટ – 80,469 છે. 

તેમણે જણાવ્યું હતું કે, હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના કમિશનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહિં, કમિશનીંગ બાદ દરેક મશીનમાં ચૂંટણી લડતાં ઉમેદવારો અને નોટાને એક મત આપીને મોક પોલ કરવામાં આવશે. રેન્ડમલી પસંદ કરવામાં આવેલાં પાંચ ટકા મશીનોમાં 1,000 મતો આપીને મોક પોલ પણ કરવામાં આવશે. મતદાન થયેલા ઈવીએમ અને વીવીપેટને 24X7 હથિયારધારી સલામતી રક્ષકોની સુરક્ષા હેઠળ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવશે. 

મતદાન મથકો અને વિશિષ્ટ મતદાન મથકોઃ

 શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, 51,782 મતદાન મથકો હતા. જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્યવિસ્તારોમાં 23,154 મતદાન મથક સ્થળોએ 34, 276 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 6,212 મતદાર મથક સ્થળોએ 17,506 મતદાન મથકો છે. તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે.

 વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘ આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાર મથક ઉભા કરવામાં આવશે. આ મતદાર મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. 

 તેમણે જણાવ્યું હતું કે, મતદારોને તેઓના મતાધિકારનો ઉપયોગ કરવામાં અગવડ ન પડે તે હેતુથી તમામ મતદાન મથકોએ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તમામ મતદાન મથકોએ યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ,પીવાના પાણીની સુવિધા, પ્રકાશ માટે વીજળીની સુવિધા, મતદારોના માર્ગદર્શન માટે જરૂરી દિશા ચિન્હો અને શૌચાલય જેવી સુવિધાઓ મળી રહેશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, વૃદ્ધો , દિવ્યાંગો, સગર્ભા સ્ત્રીઓ કે ધાત્રી માતાઓનો મતદાન કરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પણ પાઠવવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

 ચૂંટણી પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા સાત મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. 

 ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તક મળે તેમજ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન મથકનો તમામ પોલીંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવશે. 

 વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. મતદાર નોંધણી માટે લાયકાતની તારીખો પણ વધારીને ચાર કરવામાં આવી છે. યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય. 

વિશિષ્ટ મતદારો માટે વિશેષ આયોજનઃ

 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવા ઈચ્છતાં આ કેટેગરીનાં મતદારોએ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા પછીના પાંચ દિવસ સુધીમાં નમૂના ફોર્મ-12 ડીમાં જરૂરી તમામ વિગતો સાથેની અરજી સંબંધિત ચૂંટણી અધિકારીને પહોચાડવાની રહેશે. 

બુથ લેવલ ઓફિસર મતદારોના નિવાસ સ્થાનની મુલાકાલ લઈને સંબંધિત મતદારને ફોર્મ-12 ડી પહોચાડીને તેની પહોંચ મેળવશે. માન્ય રાખવામાં આવેલી અરજીઓની યાદી ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. બે મતદાન અધિકારીઓની બનેલી ટીમ પોલીસ રક્ષણ અને વિડીયો ગ્રાફરને સાથે લઈને આવા મતદારોના ઘરે જશે અને મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય એ રીતે મતદાન કરાવશે. ઉમેદવાર ઈચ્છતા હશે તો ચૂંટણી અધિકારીને આગોતરી જાણ કર્યા બાદ આ પ્રક્રિયાના સાક્ષી તરીકે અધિકૃત પ્રતિનિધિને નિયુક્ત કરી શકશે. 

આદર્શ આચારસંહિતા અને c-VIGIL:

 ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, જાહેર મકાનો પરના લખાણો, બેનરો, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સરકારી મિલ્કતોના સ્થળેથી, વૉલ રાઈટીંગ, પોસ્ટર્સ, પેપર્સ, કટઆઉટ્સ, હોર્ડિગ્સ, બેનર્સ, ફ્લેગ્સ વગેરે દૂર કરવામાં આવી રહ્યાં છે. આદર્શ આચાર સંહિતાના વધુ ગંભીર ભંગ તથા કાયદો વ્યવસ્થાના ભંગ અંગેની ફરીયાદો પર ત્વરીત પગલાં લેવા તેમજ આ અંગે રોજેરોજ ભારતના ચૂંટણી પંચને અહેવાલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 તેમણે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરીયાદ હવે ઓનલાઈન અને રીયલ ટાઈમમાં થઈ શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ c-VIGIL એપ્ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરિયાદ કરી શકશે. 

 ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્કૉડ, એકાઉન્ટીંગ ટીમ, વિડીયો વ્યૂઈંગ ટીમ અને વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સુચનાઓ મુજબ તમામ જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે આઈ.ટી. ઈનિસિયેટીવ અંતર્ગત GEEMs App-(Gujarat Election Expenditure Monitoring Application) તૈયાર કરવામાં આવી છે. 

મિડિયા સર્ટીફિકેશન, પેઈડ ન્યુઝ અને મિડિયા મોનીટરીંગઃ

 ઈલેક્ટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત કરવાની થતી જાહેરાતોનું પ્રિ-સર્ટીફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય/રાજ્યકક્ષાના રાજકીય પક્ષના ઉમેદવારે જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નહી નોંધાયેલા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સાત દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મિડિયામાં પ્રસિદ્ધ કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા બે દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.

  જો કોઈ ન્યુઝ પેઈડ ન્યુઝ છે એવો નિર્ણય કરવામાં આવશે તો તેનો ખર્ચ જે ઉમેદવારના લાભ માટે પેઈડ ન્યુઝ આપવામાં આવ્યા હશે તેના ખર્ચમાં ગણવામાં આવશે. તદઉપરાંત, સંબંધિત ઉમેદવારનું નામ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડસ ઑથોરિટીને તથા પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી તથા રાજ્ય સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી કાર્યરત છે. 

વેબ કાસ્ટીંગઃ

 ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં 26,000 જેટલાં મતદાન મથકોને વેબ કાસ્ટીંગ માટે અંકિત કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. 

કંટ્રોલ રૂમઃ

 મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં યોજનારા મતદાન અને ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તા.3 જી નવેમ્બરથી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય,ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ – કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તા. 8 ડિસેમ્બર, 2022 સુધી કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણકક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 તથા ફેક્સ નંબર- (079) 23250324 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડતા માટે સ્ટેટ કોન્ટેક્ટ સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800 233 1014 છે. જે કચેરી સમય દરમ્યાન કાર્યરત રહેશે.

સ્વીપ (SVEEP)- મતદારોમાં મતદાનલક્ષી જાગૃતતા અને ચૂંટણીમાં ભાગીદારી:

મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે તથા અચૂક મતદાન કરવાના સંકલ્પને સિધ્ધ કરવા ગુજરાતમાં ઑનલાઈન પ્લેજ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર તથા વેબસાઈટ પર આ માટેની લીન્ક મૂકવામાં આવશે. તેમણે ગુજરાતના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આગામી તા. 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનાર મતદાન દરમ્યાન સૌ અચૂક અને અવશ્ય મતદાન કરે.

અવસર રથઃ

 ગત ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં જ્યાં ઓછું મતદાન થયું હતું એવા 2022 બુથને અલગ તારવીને આ મતદાન મથકો પર મતદાન જાગૃતિ માટે ‘અવસર લોકશાહીનો ’ અભિયાન અંતર્ગત વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આવા 2022 મતદાન મથકોના વિસ્તારમાં તા. 3જી નવેમ્બરથી 23મી નવેમ્બર, 2022 દરમ્યાન અવસર રથનું આયોજન કરવામાં આવ્યું છે.            

11 ઝોનમાં સમાવિષ્ટ વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લાઓના ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં અવસર રથ ફરશે અને મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરશે.