કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને MCMCની બેઠક યોજાઈ
આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને MCMCના અધ્યક્ષશ્રી દિલીપ રાણાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, પેઈડ ન્યૂઝ, મીડિયા દ્વારા થતા આચારસંહિતાના ઉલ્લંઘનોનું મોનિટરીંગ, ઉમેદવારોની ચૂંટણી ખર્ચ વગેરે બાબતો વિશે ઉપસ્થિત સૌ સભ્યોને માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિગતો મેળવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અને MCMC કમિટીના ઉપાધ્યક્ષશ્રી મિતેશ પંડ્યા, કમિટીના સભ્યો સર્વમાં પ્રાંત અધિકારીશ્રી ભુજ અને ચૂંટણી અધિકારીશ્રી ભુજ અતિરાગ ચપલોત, નિષ્પક્ષ પત્રકારશ્રી ચંદ્રવદન પટ્ટણી, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા, સોશિયલ મીડિયા નિષ્ણાંતશ્રી મહેશ મૂલાણી, આકાશવાણી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવશ્રી ભરત ચતવાણી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.