વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલીઃ ચૂંટણી યોજવા તંત્ર સજ્જ
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
જિલ્લામાં કુલ- ૯ વિધાનસભા મતવિસ્તારમાં ૨૬૧૨ મતદાન મથકો ઉપર મતદાન થશેઃ કુલ મતદારોની સંખ્યા ૨૪,૮૯,૬૯૪ છે. જે પૈકી પુરૂષ મતદારો ૧૨,૯૨,૫૮૪ અને સ્ત્રી મતદારો- ૧૧,૯૭,૦૯૪ છે
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે અને ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની મિડીયાને માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલે ચૂંટણીલક્ષી વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૯ વિધાનસભા મતવિસ્તારોમાં ૨૬૧૨ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૨૪,૮૯,૬૯૪ છે. જે પૈકી પુરૂષ મતદારો-૧૨,૯૨,૫૮૪ અને સ્ત્રી મતદારો- ૧૧,૯૭,૦૯૪ છે અને ૧૬ થર્ડ જેન્ડરના મતદારો નોંધાયેલા છે. તેમણે કહ્યું કે, યુવા મતદારો વધુ સંખ્યામાં જોડાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેના લીધે આ વખતે ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના ૮૧,૫૧૫ મતદારો નોંધાયા છે જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે અને ૮૦ વર્ષથી વધુ વયના ૩૯,૯૬૯ મતદારો નોંધાયેલા છે. ૨૪,૨૮૦ જેટલાં દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.
કલેકટરશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. ચૂંટણી કામગીરી માટે કુલ-૧૦,૪૪૮ જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. જેમાં ૨૯૦૭ જેટલી મહિલા કર્મચારીઓ પણ ચૂંટણી ફરજ બજાવશે. ચૂંટણી સંબધી માહિતી માટે હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારો ચૂંટણીવિષયક માહિતી મેળવી શકે છે. વોટર હેલ્પલાઇન એપ્લીકેશન પણ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૦૨૨ છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર-૦૨૭૪૨-૨૬૦૭૯૧ છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, જિલ્લાની દરેક ૯ વિધાનસભામાં આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. એવી જ રીતે દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. જેમાં મતદાન સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ જેટલાં મહિલાઓ સંચાલિત એમ મળી કુલ-૬૩ સખી મતદાન મથકો બનાવાશે. તેમણે કહ્યું કે, આ વર્ષે નવતર પ્રયોગના ભાગરૂપે ૨૫ થી ૩૦ વર્ષાના યુવા કર્મચારીઓ સંચાલિત ૧ યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ચૂંટણીને રેલી, સભા, સરઘસ વગેરેને લગતી વિવિધ બાબતોની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે. વિવિધ ચૂંટણી કામગીરી માટે ૨૨ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે, ચૂંટણી જાહેર થયા પછી શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે ૯૦ જેટલી SST (સ્ટેટીક સર્વેલન્સ ટીમ) અને ૪૧ FST (ફ્લાઇંગ સ્ક્વોર્ડ) ની રચના કરવામાં આવી છે. ચૂંટણી સભાઓ દરમિયાન વિડીયો રેકોર્ડીંગ માટે ૨૩ VST ( વિડીયો સર્વેલન્સ ટીમ) અને ૯ વિધાનસભા વિસ્તારમાં ૯ જેટલી VVT ( વિડીયો વ્યુંઇગ ટીમ) ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજીસ્ટર નિભાવવા અને પેઇડ ન્યુઝ અંગે માહિતી આપવામાં આવી હતી.
કલેકટરશ્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, ચૂંટણી પંચની સુચના અનુસાર રોકડ વ્યવહાર અને ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે. રોકડ અને અન્ય વસ્તુઓ લઇને જતી વખતે આધાર-પુરાવા તરીકે માલ વેચ્યા અને ખરીદીનું બિલ વગેરે રાખવામાં આવે તે જરૂરી છે. તેમણે મતદાર યાદીમાં નામ ચકાસી લેવા નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું કે, આપનું નામ મતદાર યાદીમાં ન હોય નોમિનેશન તારીખ સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે.
પોલીસ અધિક્ષકશ્રી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ છે ત્યારે રાજસ્થાન રાજ્યને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં આ વખતે ૩૦ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે. જેમાં પોલીસની સાથે ૧૩ ITBP ની ટીમ તૈનાત રેહશે. તેમણે કહ્યું કે, માદક પદાર્થો અને શંકાસ્પદ વસ્તુઓની હેરફેર થતી જણાય તો પોલીસને વોટ્સએપ નંબર ૯૯૧૩૧૬૧૦૦૦ ઉપર નાગરિકો માહિતી આપી શકે છે. લાયસન્સ ધારક હથિયારો એક અઠવાડીયામાં જમા લેવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવી સહિત પત્રકાર મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમ
૧. ચૂંટણીની જાહેરાતની તારીખ ૦૩-૧૧-૨૦૨૨
૨. જાહેરનામુ બહાર પાડવાની તારીખ- ૧૦-૧૧-૨૦૨૨
૩. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ - ૧૭-૧૧-૨૦૨૨
૪. ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ- ૧૮-૧૧-૨૦૨૨
૫. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ - ૨૧-૧૧-૨૦૨૨
૬. મતદાનની તારીખ - ૦૫-૧૨-૨૦૨૨
૭. મત ગણતરીની તારીખ - ૦૮-૧૨-૨૦૨૨
૮. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ - ૧૦-૧૨-૨૦૨૨