ગીર સોમનાથમાં મોરબી દુર્ઘટનાના દિવંગતોને આપવામાં આવી ભાવસભર શ્રદ્ધાંજલિ

-----------

રામધૂન અને શ્લોકની પ્રસ્તુતિ સાથે યોજવામાં આવી પ્રાર્થના સભા

-----------

ગીર સોમનાથ, તા.૨: મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો હતો ત્યારે આ શોકમાં સહભાગી થતાં ગીર સોમનાથમાં પણ કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી શોકના પગલે વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હૉલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે ઉપસ્થિત તમામ લોકોએ મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ દરેક લોકો દ્વારા દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન અને શ્લોકની પ્રસ્તુતિ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. જેથી કોમ્યુનિટી હોલમાં ભાવસભર વાતાવરણ સર્જાયુ હતું.

ગીર સોમનાથ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.