આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી . અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આ બેઠકમાં મીડિયા સર્ટિફિકેશન , આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમની સાથે સાથે રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે . જે સંદર્ભે અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી . ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ . કુલદીપ આર્ય દ્વારા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . આ ઉપરાંત સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ . બી . પટેલ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રચાર - પ્રસાર , ખાસ કરીને ઈલેકટ્રોનિક મીડિયામાં આપવામાં આવતા રાજકીય વિજ્ઞાપનોના પૂર્વ - પ્રમાણિકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુદ્દાસર જાણકારી આપવામાં આવી હતી . મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી . ભારતીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી મળેલા સૂચનો આવકારી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો . આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઘવલ પટેલ , નાયબ સચિવ શ્રી નીતિન આચાર્ય , નાયબ સચિવ શ્રી દિલીપ ભાવસાર તથા નાયબ કલેક્ટર શ્રી આલોકસિંઘ ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.