દાહોદ ગાય ગોહરીના ઉત્સવની ગરબાડા, ગાંગરડીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી
ભગવાન શ્રીકૃષ્ણના ગૌપ્રેમને તાદ્રશ્ય કરતી ગાય ગોહરીના તહેવારની દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં ગરબાડા, ગાંગરડીમાં દિવાળીના બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે ઉત્સાહભેર ઉજવણી કરવામા આવે છે.
ગુજરાતના છેવાડાના કહેવાય તેવા દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે નૂતન વર્ષના દિવસે એક અનોખા મેળાની ઉજવણી કારવામા આવતી હોય છે. ગાયના દોડતા ટોળાની સામે જઇને દંડવત કરીને ગૌમાતાના આશિર્વાદ લેવાની ચાલી આવતી પરંપરા મુજબ ‘ગાય ગોહરીના ઉત્સવ’ ની ભારે ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. વર્ષોથી ચાલતી આવતી આ ઐતિહાસીક પરંપરા આજે પણ ચાલી રહી છે. નૂતનવર્ષના દિવસે ઉજવાતા ગાય ગોહરીના આ ઉત્સવને નિહાળવા હજારો માણસો આવતા હોય છે.
આદિ-અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબાડા ખાતે ગાય ગોહરીના ઉત્સવની ઉજવણી થતી આવી છે. જેમાં ધરતીપુત્રો હજારો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના પશુધનને શણગારે છે. દિવાળીના દિવસે ખેડૂતો પોતાના પશુધનને એટલે કે ગાય માતાને મહેંદી લગાડે છે ત્યારબાદ સવારમા એટલે કે નવા વર્ષના દિવસે પોતાના પશુધનને નવડાવીને કલરથી રંગ કરે છે અને મોર પીંછ, ઘૂઘરા, મોરિંગા, ફુમતા બાંધી પશુધનને શણગારી તૈયાર કરે છે અને દાળ ભાત શાક જેવી વાનગીઓ પણ જમાડતા હોય છે. ત્યારબાદ કુવારી ગાયનું પૂજન કર્યા બાદ ગાય ગોહરીનો ઉત્સવ શરૂ કરવામા આવે છે.
આ પર્વને નિહાળવા માટે જિલ્લા સહિત વડોદરા, અમદાવાદ, નડિયાદ, આણંદ સહિત ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. હૈયે હૈયુ દબાય તેટલી માનવમેદનીમા ઢોલ, ત્રાસા અને ફટાકડાની આતાશબાજી વચ્ચે ધરતીપુત્ર એક નહિ પણ અનેક પશુધનના ગોહાની નીચે ગોહરી પાડવામા આવે છે. ખેડૂતો દોડતા ગાય બળદના ઘણ નીચે સુઈ જાય છે અને પશુધન તેમની ઉપરથી પસાર થાય છે. જે નજારો ખરેખર જોવાલાયક હોય છે. ત્રણથી ચાર કલાક સુધી ચાલતો આ ઉત્સવ અહીની પ્રજા એટલાજ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. વર્ષોથી ચાલતી આવતી આ ગાય ગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી હતી, અને ગરબાડા તથા ગાંગરડીમા ગાય ગોહરીના ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. પરંતુ પશુધનમા લમ્પી વાયરસને લીધે આ વર્ષે ગાય ગોહરીના ઉત્સવમા ગાયોની સંખ્યા ઓછી જોવા મળી હતી અને માત્ર ત્રણથી ચાર ગોહા પાડી ગાય ગોહરીનો ઉત્સવ પૂર્ણ કરવામા આવ્યો હતો.