ભારત દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત રોજ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું સન્માન વધારીને દુનિયા માટે અપરિહાર્ય બનાવી દીધું છે. તેમણે પીએમના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે, આજે દુનિયામાં કોઈ પણ સમસ્યા હોય, જ્યાં સુધી ભારતના પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીનું નિવેદન ન આવે, ત્યાં સુધી દુનિયા કોઈ પણ સમસ્યા પર પોતાનો વિચાર કરી શકતી નથી.
રાષ્ટ્રીય ધ્વજના નિર્માતા પિંગલી વેંકૈયાના સન્માનમાં આયોજીત તિરંગા ઉત્સવને સંબોધન કરતા અમિત શાહે તમામ લોકોને ઘર પર તિરંગો ફરકાવવા માટે તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. સાથે જ શાહે લોકોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના ડીપીમાં તિરંગાની તસ્વીર લગાવાનો અનુરોધ કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનું સપનુ સાકાર થઈ રહ્યું છે. આજે સમગ્ર દુનિયા ભારત તરફ સન્માનથી જોઈ રહ્યું છે. વર્ષ 2014થી 2022ની વચ્ચે પ્રધાન મંત્રી મોદીએ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કર્યો છે.
વૈશ્વિક સ્તર પર પીએમ મોદીના મહત્વની વાત કરતા અમિત શાહે કહ્યું કે, આજે દુનિયા કોઈ પણ મુદ્દા પર ત્યા સુધી નિર્ણય નથી લેતી, જ્યાં સુધી પીએમ મોદી પોતાનો મત નથી રજૂ કરતા. ભારતને આવી રીતે સન્માનિત જોવા માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, લોકોએ પોતાના જીવનના બલિદાન એક એવા ભારતને જોવા માટે આપ્યા હતા. જે આત્મનિર્ભર હોય, જેને પોતાના ઈતિહાસ પર ગર્વ હોય, એક એવો દેશ જે ફક્ત પોતાનું ભવિષ્ય જ નથી બનાવતું, પણ આ નવા ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં લોકોના સપનાને અનુરુપ હોય.