રોશનીના મહાપર્વ સમુહ દિપોત્સવીના શુભારંભની સાથે જ સિહોરની બજારોમાં તેમજ અત્ર, તત્ર અને સર્વત્ર અનન્ય હર્ષોલ્લાસનો અનેરો માહોલ છવાયો છે. અને તમામ બજારોમાં દિવાળીના મહાપર્વની છેલ્લી ઘડીની ખરીદી માટે ચોમેર ભારે ધસારો જોવા મળ્યો હતો. શહેરની તમામ બજારોમાં પ્રકાશના મહાપર્વ સમુહ દિવાળોની ધૂમ જોવા મળી રહી છે. દિવાળીના મહાપર્વની છેલ્લી ઘડીની ખરીદી માટે બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શહેરીજનો બાળ ગોપાળ સાથે સપરિવાર શહેરની સ્થાનિક બજારોમાં ઠેર ઠેર ટ્રાફિકની તેમજ ખાનગી વાહનના પાકિંગની સમસ્યા સર્જાઈ હતી. શહેરની રેડીમેડ કાપડ, ફૂટવેર, ગૃહ સુશોભન અને શણગાર, ઈલે કટ્ટીક, ઈલેકટ્રોનિકસ, હોમ એપ્લાયન્સીસની દુકાનો, શોરૂમ, મોલમાં ગ્રાહકોની ભારે ભીડના કારણે કેટલાય ગ્રાહકોએ તો દુકાનો, શોરૂમની બહાર વેઈટીંગમાં પ્રતિક્ષા કરવાનો વખત આવ્યો હતો. એટલુ જ નહિ છેલ્લા દિવસોમાં તો સ્થાનિક હેર કટીંગ સલુન, બ્યુટીપાર્લરવાળાઓ તેમજ મોડી સાંજથી ખાણી પીણીવાળાઓને ત્યાં પણ વેઈટીંગ જોવા મળતુ હતુ. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પ્રમાણમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. જો કે, આવી સ્થિતિને લઈને સીઝનલ, છુટક વિક્રેતાઓમાં ભારે હર્ષ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે દિવાળીનો તહેવાર પરંપરા મુજબ ઉજવી શકાયો ન હતો, આ વર્ષે તમામ બજારોમાં તેનુ ગત વર્ષનું જાણે કે સાટુ વાળી દેવાનો અનેરો મિજાજ લોકોએ દેખાડયો હતો તેથી ખરીદીનો છેલ્લા દિવસોમાં ભારે કરન્ટ રહ્યો હતો. આ સાથે ઓનલાઈન શોપીંગના માર્કેટમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જે હવે આગામી લગ્નગાળાની સીઝન સુધીજારી રહેશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.