વડોદરાના કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલે બાળકોને મસ્જિદમાં લઈ જવાનું આયોજન ગોઠવતા વાલીઓએ વિરોધ કર્યો હતો અને આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ખબર પડતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગતા તેઓ જવાબ આપી શક્યા ન હતા.
દિલ્હી પબ્લિક સ્કૂલના બાળકોને આગામી તા. 5 ઓગષ્ટે શુક્રવારના દિવસે મસ્જીદ ખાતે મુલાકાત કરાવવાનું આયોજન ગોઠવ્યું હતું. જે માટે વાલીઓની સંમતિ લેવા માટે સંમતિપત્રક મોકલતા મામલો બહાર આવતા વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા.
સ્કૂલ દ્વારા બાળકોને પિકનીકમાં જાહેર ઐતિહાસિક સ્થળ,પ્રાણી સંગ્રહાલય,ગાર્ડન, મ્યુઝિયમ, બરોડા ડેરી , પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ વીઝીટ કરવા લઇ જવાના બદલે મસ્જિદ ની મુલાકાત લેવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
દરમિયાન વીએચપીના કાર્યકરો સ્કૂલ પર પ્રિન્સીપાલને મળવા અને કારણ જાણવા જ્યારે સ્કૂલ ઉપર ગયા ત્યારે તેઓએ મળવા માટેની ના પાડી દીધી હતી. ત્યારબાદ વીએચપીના કાર્યકરો દ્વારા સ્કૂલની બહાર રામધૂન કરીને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. સતત અડધો કલાક સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્કૂલની બહાર વિરોધ નોંધાવવામાં આવતા આખરે સ્કૂલના પ્રીન્સીપાલ એ.કે.સિન્હાએ તેઓને મળવા માટે બોલાવ્યા હતા.
વીએચપીના કાર્યકરે જણાવ્યુ હતું કે, પ્રીન્સીપાલને આ અંગે પૂછતા તેમણે સંતોષકારક જવાબો આપ્યા ના હતા. અમે તેમને કહ્યું હતું કે, બાળકો નાદાન હોય છે તેઓને પિકનીક માટે જાહેર ઐતિહાસિક સ્થળ કે અન્ય જગ્યાએ લઈ જવાના બદલે મસ્જિદમાં લઈ જવાનું કારણ સમજાતું નથી પણ તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.