પાવીજેતપુર તાલુકાની મોટી આમરોલ દૂધ મંડળીના બોનસના ૨૪ લાખ ૭૭ હજાર રૂપિયા સભાસદોને સમયસર ચૂકવવામાં ન આવતા સભાસદો ભેગા થઈ દૂધ મંડળીના પ્રમુખ મંત્રી વિરુદ્ધ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. તેમજ છોટાઉદેપુર જિલ્લા સબ રજીસ્ટરમાં પણ રજૂઆત કરવામાં આવી છે. 

              સામાન્ય રીતે દિવાળી આવતા પહેલા જ દૂધ મંડળીના સભાસદોને બોનસ ચૂકવી દેવામાં આવતું હોય છે પરંતુ પાવીજેતપુર તાલુકા ની મોટીઆમરોલ ગામે આવેલ દૂધ મંડળીના સભાસદોને દિવાળીના ટાણે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યાં સુધી બોનસ ન મળતા મંડળીમાં દૂધ ભરતા ગરીબ સભાસદો ભેગા થઈ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં દૂધ મંડળીના મંત્રી રાઠવા અર્જુનભાઈ દહરભાઈ, તેમજ પ્રમુખ રણજીતભાઈ ભાવસિંગભાઈ રાઠવા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ અલ્હાદપુરા દૂધ શીત બરોડા ડેરી તરફથી ચાલુ વર્ષે ભાવ ફેર ની રકમ તેમજ બોનસ ની રકમ મળી કુલ ૨૪ લાખ ૭૭ હજાર રૂપિયા ૧૨.૪૧ ટકા પ્રમાણે ચૂકવવાની થાય છે જે રકમ સંઘ દ્વારા મંડળીના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. જે બોનસની રકમ ખાતામાંથી ઉપાડી મંત્રી દ્વારા સભાસદોને ચૂકવવાના હોય છે. પરંતુ મંત્રી દ્વારા નાણાં ચૂકવવામાં ગલ્લા તલ્લા જ કરવામાં આવે છે. દિવાળીને માંડ બે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે હજુ સુધી દિવાળી બોનસ સભાસદોને ચૂકવવામાં આવ્યું નથી જેથી સભાસદોની દિવાળી બગડે તેમ છે. આજરોજ દૂધ ભરવા આવેલા સભાસદો સવારથી જ ઉગ્ર મૂડમાં હોય, છેલ્લી ૨૦ તારીખ નો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે ૨૧ ઓક્ટોબર થઈ હોય છતાં નાણાં ચૂકવવામાં ન આવતા મોટી આમરોલ દૂધ મંડળીના સભાસદો ભેગા મળી પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેમજ છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટરમાં લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.

          આમ, પાવીજેતપુર તાલુકાની મોટી આમરોલ દૂધ મંડળીના મંત્રી પ્રમુખ દ્વારા દૂધ મંડળીના સભાસદોના બોનસના નાણાં ચૂકવવામાં ન આવતા સભાસદો ભેગા થઈ હલ્લાબોલ કરી પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા રજીસ્ટારમાં તેઓ વિરુદ્ધ અરજી આપી ન્યાયની માંગ કરી છે.