મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ***

- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે.

- આજે 'વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ' એવી ઓળખ ઊભી થઈ 

- 20 વર્ષના વિકાસ યાત્રાનો મૂળ આધાર પ્રજાએ નરેન્દ્ર ભાઈ મોદીમાં મુકેલો વિશ્વાસ 

- ગુજરાતમાં શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં પણ વિસ્તરી 

- વિકાસની સાથે વિરાસતના સંવર્ધનને પણ ગુજરાતે પ્રાધાન્ય આપ્યું 

*મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત સંપન્ન*

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસમાં અગ્રેસર ગુજરાત હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષની ગુજરાતની વિકાસયાત્રા બેનમૂન રહી છે, તેના મૂળમાં પ્રજાએ શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં મુકેલો અપાર વિશ્વાસ છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી દિશાઓ હાંસલ કરી શક્યું છે. અને એ જ પથ પર આપણે આગળ વધી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યું હતું. 

રાજ્યમાં વિકાસકામોને પગલે ઉભી થયેલી જનસુવિધાનઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, શહેરોના જેવી જ સુવિધાઓ ગામડાઓમાં પણ હોય તે રાજય સરકારનો અભિગમ રહ્યો છે. એના પરિણામલક્ષી અમલને પગલે આજે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાઓ સુધી વિસ્તરી છે.

મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે, હાલ ડિફેન્સ એક્સપોનું પ્રદર્શન યોજાયું છે. ગુજરાત પણ ડિફેન્સના ક્ષેત્ર દેશ સાથે કદમ મિલાવી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરી છે. ગુજરાત પણ અધ્યતનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં વિકાસકામો અને જનસુવિધા ઉભી કરતા લોકકલ્યાણના કામોમાં પણ અદ્યતન ટેક્નોલોજીનો સુપેરે ઉપયોગ રાજ્યમાં થઈ રહ્યો છે. જેમાં પરિણામે આજે આર્મી ટેન્કનું ઉત્પાદન દહેજમાં થઈ રહ્યું છે. ત્યારે હવે દિવસો દૂર નથી કે રાજકોટમાં એરોપ્લેનના પાર્ટ્સ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ દેશના સૌથી મોટા શિક્ષણ અભિયાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોન્ચિંગ વડાપ્રધાનશ્રીના હસ્તે ગુજરાતથી કરવામાં આવ્યું છે. આરોગ્યની સુવિધાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દરેક તાલુકા મથકે નિર્માણ પામેલા ડાયાલિસિસ સેન્ટર અને જિલ્લા મથકે બનેલા ડે કેર કિમો થેરાપી સેન્ટર બન્યા છે. જેના થકી રાજ્યનો નાગરિક કોઈપણ ખૂણે ડાયાલિસિસ કરાવી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, બાળક, મહિલા, દલિત, વંચિત, આદિવાસી અને વિદ્યાર્થી તેમજ ખેડૂતો તમામ વર્ગને વિકાસના ફળો પહોંચાડવા સરકારે કાર્યરત છે. રાજ્યમાં 36 લાખ બહેનોને ગેસ કનેક્શન મળ્યા છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજનાના માધ્યમથી 14 લાખ દીકરીઓને 5.55 કરોડની સહાય આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ ગુજરાત છેલ્લા 3 વર્ષથી દેશભરમાં પ્રથમ છે. સૌથી મોટું ઐતિહાસિક બજેટ આપવાની સાથે ગુજરાત નીતિ આયોગ પ્રમાણે નાણાકીય આયોજનમાં પણ પ્રથમ નંબરે છે. કોવિડ મહામારી પછી પણ વિકાસની ગતિ ન રોકાય તેની તમામ વ્યવસ્થા રાજ્યમાં કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વિકાસની સાથે વિરાસતોની જાળવણીને પણ પ્રાધાન્ય અપાયું છે. અંબાજી, સોમનાથ અને પાવાગઢ, દ્વારકા સહિતના યાત્રાધામોની સંપૂર્ણ કાયાપલટ થઈ ચૂકી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યસચિવ શ્રી પંકજ કુમારે પોતાના સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં પ્રજાને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકાર્યો રાજ્ય સરકારે હાથ ધર્યા છે. લોકોના વિકાસ-ઉત્કર્ષ માટે સુસાશનની નીતિ પર ભાર મુક્યો છે. રાજ્યના ઇતિહાસમાં 2,44,000 કરોડનું ઐતિહાસિક બજેટ આપ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી દિશાઓ કંડારી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજથી 1 માસ પૂર્વે વિશ્વાસથી વિકાસયાત્રા શરૂ કરાઇ હતી. આજે બીજા ચરણમાં 2600 કરોડથી વધુના ખર્ચે થનાર 16000થી વધુ કામોને આવરી લેવાયા છે. રાજ્યએ તીવ્ર ગતિથી વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. રાજ્યના મહત્વના વિભાગોના કામોના અમલ દ્વારા જનસુવિધાના વિકાસકામો હાથ ધરનાર છે. 

શ્રી પંકજ કુમારે જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત અપ્રતિમ વિકાસની ગતિ હાંસલ કરી રહ્યું છે. રાજ્યમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ અપાયા છે. સ્કુલ ઓફ એક્સીલન્સ અનુકરણીય રહ્યું છે. રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્રની હકારાત્મક અસરો આખા દેશમાં થઈ રહી છે. આજે રાજ્યમાં તાલુકાકક્ષાએ ડાયાલીસીસ કેન્દ્ર અને દરેક જિલ્લામાં 2 ડે કેર કેન્દ્ર કાર્યાન્વિત થયા છે. સાથે સાથે 'નલ સે જલ' યોજનાના અમલીકરણમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ હરોળમાં વિકાસકાર્યોનો વધુ એક ઉપહાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સહુ ગુજરાતીઓને આપ્યો છે. આ પ્રસંગે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ₹54.13 કરોડના ખર્ચે નવનિર્મિત કુલ 31 શાળાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાયન્સસિટી, અમદાવાદના વિજ્ઞાનભવન ખાતે આયોજિત‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં સાંસદ શ્રી હસમુખ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, બાબુભાઇ જે.પટેલ શહેરના મેયર શ્રી કિરીટ પરમાર તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, મહાનગરપાલિકાના સત્તા પક્ષના નેતા શ્રી ભાસ્કર ભટ્ટ તેમજ કલેકટરશ્રી, ડીડીઓશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં અમદાવાદ જિલ્લાના નાગરિકો સામેલ થયા હતા. સાથે સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકા સ્તરેથી મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.