ITR Filing 2022: દર વર્ષે લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 હતી. ટેકનિકલ મુશ્કેલીના કારણે છેલ્લા દિવસે ઘણા લોકો રિટર્ન ફાઈલ કરી શક્યા ન હતા. સોશિયલ મીડિયા દ્વારા લોકો ITR ભરવાની સમયમર્યાદા વધારવાની પણ માંગ કરી રહ્યા છે. એવા લોકોને નિરાશ થવાની જરૂર નથી. 31મી ડિસેમ્બર 2022 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકાશે. આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે. આ લેટ ફી આવકવેરા રિટર્ન પેનલ્ટી તરીકે લેવામાં આવે છે.

IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ કરદાતાઓની શ્રેણી અનુસાર બદલાય છે. નોકરિયાત લોકોએ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાનું રહેશે. જે લોકો છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે નહીં તેમણે લેટ ફી ચૂકવવી પડશે. જો કોઈની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તેણે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022 સુધીમાં લેટ ફી તરીકે 5000 રૂપિયા ચૂકવવા પડશે. જયારે, 5 લાખથી ઓછી કમાણી કરનારાઓએ 1,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.

આ લોકોએ 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું રહેશે
કોર્પોરેટ અને બિઝનેસમેન 31 ઓક્ટોબર સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. કોર્પોરેટ અથવા જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર છે. તમે 31 ઓક્ટોબર સુધી તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઈલ કરવા પર આ લોકો પર કોઈ પેનલ્ટી લાગતી નથી. વર્તમાન આવકવેરાના નિયમોમાં 6 મહિનાથી ઓછી નહીં અને વધુમાં વધુ 7 વર્ષની જેલની જોગવાઈ છે. ITR ફાઇલ કરવામાં નિષ્ફળતાના દરેક કેસમાં વિભાગ તમારી સામે કાર્યવાહી કરી શકે છે.

ઘણા લોકોએ રિટર્ન ફાઈલ કર્યું
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 10.54 કરોડ વ્યક્તિગત નોંધાયેલા યુઝર્સ છે. આકારણી વર્ષ 2022-23 માટે અત્યાર સુધીમાં 5 કરોડ 82 લાખ 88 હજાર 962 લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. છેલ્લા દિવસે એટલે કે રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી 63.47 લાખથી વધુ રિટર્ન જમા થયા હતા.