રેલવે સ્ટેશનનું ગરનાળુ બંધ કરતા વાહન વ્યવહાર ખોરવાયો
વાહનવ્યવહાર કડક બજાર થઈને જેતલપુર તરફ વાડવામાં આવ્યા
જેતલપુરનું ગરનાળું નાનું હોવાથી વાહનો અટવાયા
વડોદરા શહેરમાં વર્ષોથી ગરનાળાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા રેલવે સ્ટેશનનું ગરનાળું મેન્ટેનન્સના નામે બંધ કરવામાં આવ્યું છે. માત્ર એક જ વરસાદમાં આ ગરનાળુ ભરાઈ જાય છે. જેથી આ વખતે મનમૂકીને વરસેલા વરસાદના કારણે ગરનાળાને બંધ કરવામાં આવ્યું છે. જેને કારણે વાહન વ્યવહારો ખોરવાતો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે, 15 તારીખ સુધી મેન્ટેનન્સની પ્રક્રિયા ચાલશે. જેના કારણે વાહનવ્યવહાર કડક બજાર થઈને જેતલપુર તરફ વાડવામાં આવ્યું છે. જેથી સયાજીગંજ તેમજ અલકાપુરી તરફથી આવતા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા કડક બજાર તરફ વાડવામાં આવી રહ્યા છે. ત્યાંથી જેતલપુર ગરનાળાના માર્ગેથી પસાર થશે.
ગરનાળાની પરિસ્થિતિની વાત કરીએ તો, આ ગરનાળુ વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ કહેવામાં આવે છે. આ ગરનાળાથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સીટી બસ સ્ટેશન નજીક હોવાથી અહીંયા લોકોની અવરજવર વધારે હોય છે. આ ભાગમાં વડોદરા રેલવે સ્ટેશનનો પાછળનો ભાગ પડે છે. ત્યારે મેન્ટેનન્સની કામગીરીને લઈ બેરીકેટ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગરનાળાના માર્ગની હાલત કફોડી થતા હાલ રેતી, કપચી તેમજ મશીનો પહોંચીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અલકાપુરીનું આ ગરનાળું વર્ષોથી સમસ્યારૂપ રહ્યું છે. ત્યારે અહીં ગટરો ઉભરાવાની પરિસ્થિતિ બારે માસ રહે છે.
વધુમાં આ ગરનાળામાં રસ્તો ખરાબ હોવાની સાથે છત પરથી પાણી ટપકવાની, ગટરો ઉભરાવાની સમસ્યાઓ દર વર્ષે જોવા મળે છે. ત્યારે નાળાની સફાઈ માટે સંખ્યાબંધ મજૂરો કામગીરીએ લાગી ગયા છે. જેને લઈને વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ગરનાળામાં પગપાળા લોકો પસાર થઈ શકે તેમ હોવાથી પગપાળા લોકો માટે રાહત જોવા મળી રહી છે.
ગરનાળાની સમસ્યાને લઈને કાર્યકરો તેમજ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. દર વર્ષે ચોમાસામાં ગરનાળાની સમસ્યાને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે રેલવે સ્ટેશનનું ગરનાળુ બંધ સીધી અસર જેતલપુર ગરનાળા પર પડતી જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનના ગરનાળાથી પસાર થનારા તમામ વાહનો જેતલપુર ગરનાળાથી પસાર થતા વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સર્જાતી ગરનાળાની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. બીજી બાજુ ગરનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને તમામ વાહનો જેતલપુર ગરનાળા તરફ જઈ રહ્યા છે. જ્યાં ગરનાળું નાનું હોવાથી કેટલાક વાહનો અટવાતા જોવા મળી રહ્યા છે. ત્યારે દર વર્ષે ગરનાળાની આ પરિસ્થિતિને જોતા તંત્ર કુંભ કરણની ઉંધ ઉંઘતું જોવા મળી રહ્યું છે. લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને ન લેતા જવાબદાર અધિકારીઓની પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે.